Gujarat

વોર્ડમાંથી ૭ દિવસ પહેલા રજા મળી ગઇ છતા દર્દી બેડ ખાલી કરવા તૈયાર નથી

By GS Team
22 Nov 20212 mins read
This article was originally published on 22 Nov 2021
વોર્ડમાંથી ૭ દિવસ પહેલા રજા મળી  ગઇ છતા દર્દી બેડ ખાલી કરવા તૈયાર નથી

- સુરતની નવી સિવિલમાં અજીબ કિસ્સો

- આધેડ દર્દીને લેવા માટે કોઇ આવ્યું નથી, મુંઝવણમાં મુકાયેલા ડોકટરોએ પોલીસને જાણ કરીઃ દર્દીને હોસ્પિટલમાં ગમી ગયું હોવાની ચર્ચા

        સુરત :

સુરત નવી સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં આવતી હોવાથી કેટલાક લોકો સારવાર માટે આવવામાં  મુંઝવણ અનુભવતા  હોય છે. અને સારવાર લઇ રહેલા લોકો જલ્દી સાજા થઇને ઘરે જાય તેની રાહ જોતા હોય છે ત્યારે સિવિલમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાત દિવસ પહેલા જે દર્દીને વોર્ડ માંથી ડોક્ટરે રજા આપી છે તે દર્દી બેડ ખાલી ન કરતા બેડ ખાલી કરાવવા માટે ડોક્ટરો મૂંઝવણમાં મુકાઇ ગયા છે.

પ્રાપ્ત વિગત મુજબ સલાબતપુરા વિસ્તારમાં રહેતા ૪૪ વર્ષીય વિપુલભાઇ નામના આધેડ ગઈ તારીખ 27 - 10 - 2021 બપોરે ચોક બજાર વિસ્તારમાંથી અર્થ બેભાન મળ્યા બાદ 108માં નવી સિવિલના મેડિસિન  વિભાગના વોર્ડમાં દાખલ કરાયા હતા. સાથે કોઇ ન હોવાથી મેડીકલ લીગલ કેસ(એમએલસી) ગણીને સિવિલ પોલીસ ચોકીએ અઠવાલાઇન્સ પોલીસ મથકને જાણ કરી હતી. સારવાર બાદ તેઓ સાજા થઇને બોલતા થયા હતા. પણ ડાબી સાઇડના ભાગે  પેરાલીસીસની અસરતી નોર્મલ વ્યક્તિની જેમ ચાલી શકતા નથી એમ ડોકટરે કહ્યું હતું. પણ તબિયતમાં ખાસ્સો સુધારો આવતા તા.૧૫મી એ તેમને ડિસ્ચાર્જ આપી સિવિલની ચોકીમાં જાણ કરાઇ હતી.

પરંતુ આધેડને પરિવારના કોઇ કે પરિચિત લેવા આવ્યા નથી. અને તેઓ વોર્ડમાંથી જવા પણ તૈયાર નથી. રજા અપાયા સાત દિવસ બાદ પણ તેમણે બેડ ખાલી નહી કરતા ડોકટરો મુંઝવણમાં મુકાયા છે. બેડ ખાલી થાય તો અન્ય જરુરીયાતમંદ દર્દીને ફાળવી શકાય. તેથી સિવિલની પોલીસ ચોકીને યોગ્ય કરવા માટે આજે સવારે જાણ કરાઇ હતી. સિવિલમાં ચર્ચા ચાલી રહી છે કે, આધેડ વિપુલભાઇને સિવિલ હોસ્પિટલમાં સારવાર અને વ્યવસ્થા ગમી ગઇ છે તેથી હોસ્પિટલ છોડવા ઇચ્છતા નથી. સારવાર દરમિયાન તેમની સેવાચાકરી માટે એક સેવાભાવી વ્યક્તિ સિવિલમાં આવતા હતા.