Get The App

પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર 1 - image

લાઈટફિટિંગ માટે ઈલેક્ટ્રિક સામાનના પૈસા મામલે બોલાચાલી થઈ હતી

પીઠ અને ગરદન નીચે છરાના ઘા મારી હત્યા કરી, પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ

પાલિતાણાપાલિતાણા શહેરમાં ગત મોડી રાત્રે લાઈટફિટિંગના કામના પૈસાની લેતીદેતી મામલે થયેલી મારામારીમાં યુવકની છરાના ઘા મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે. જ્યારે મારામારીના આ બનાવમાં ચાર લોકોને ઈજા પહોંચી છે. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં આઠ શખ્સ સામે સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પાલિતાણા શહેરમાં ગત મોડીરાત્રે બનેલા મારામારી અને હત્યાના ચકચારી બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પાલિતાણાની પરિમલ સોસાયટીમાં રહેતા હુસેનભાઈ ઉર્ફે અદાભાઈ ઈસ્માઈલભાઈ મહેતરે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં લતીફ ઈકબાલભાઈ ઉર્ફે ઘેલાભાઈ મહેતર, સાબીર ઈકબાલભાઈ ઉર્ફે ઘેલાભાઈ મહેતર, ઈકબાલ ઉર્ફે ઘેલા અલ્લારખભાઈ મહેતર, યુનુસ જમાલભાઈ પાદરશી અને સફી ઉર્ફે ભુરો મહેતર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક વર્ષ પૂર્વે તેમના ભત્રીજા ઈબ્રાહિમના ઘરે લાઈટ ફિટિંગનું કામ કરવા ઈલેક્ટ્રિકનો સામાન ઉક્ત ઈકબાલભાઈની દુકાનેથી લીધેલ જેના પૈસા બાકી હોય જે બાબતે વીસેક દિવસ પૂર્વે ઉક્ત લોકો સાથે બોલાચાલી થયેલી હોય જેની દાઝે ગત મોડી રાત્રે ઉક્ત લોકો તેમના દિકરા સાજીદ (ઉ.વ.૨૪) અને ભત્રીજા ઇબ્રાહિમને જાનથી મારી નાખવાના ઈરાદે આવી તેમના દિકરા, ભત્રીજા અને તેમના મિત્ર મયુદ્દીન સાથે દાણપીઠ બજાર દોસ્તી પાન સામે ધોકા અને છરા વડે મારામારી કરી તેમના દિકરા સાજીદની પીઠ અને ગરદન નીચે છરા ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હત્યા કરી હતી. જ્યારે ઈબ્રાહિમ અને મયુદ્દીન પર હુમલો કરીને ઈજા કરી હતી. જ્યારે સામે પક્ષે અબ્દુલ લતીફ ઈકબાલભાઈ મહેતરે ઈબ્રાહિમ રફીકભાઈ મહેતર, સાજીદ હુસેનભાઈ મહેતર અને મયુદ્દીન અકબરભાઈ ચાવડા સામે ફરિયાદ કરી હતી. જેમાં ઉક્ત ઈબ્રાહિમભાઈના ભાઈ વસીમને અગાઉ ઈલેક્ટ્રિકનો લાઈટફીટિંગનો સામાન રૃ.૨૦,૫૦૦નો ઉધાર આપ્યો હતો. જે પૈસાની ઉઘરાણી કરતા પૈસા આપેલ નહી તેનું મનદુઃખ રાખી ઉક્ત ત્રણેયે પાઈપ અને છરી સાથે તેમની દુકાને આવી તેમના ભાઈ  સબીર ઈબ્રાહિમને તથા તેમને લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.