Get The App

સંયુક્ત પરિવારો તૂટતા વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી: એમ.એસ. યુનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
સંયુક્ત પરિવારો તૂટતા વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી: એમ.એસ. યુનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો 1 - image

Baroda: આજના ગતિશીલ યુગમાં સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે અને ન્યૂક્લિયર (વિભક્ત) પરિવારોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સામાજિક બદલાવ વચ્ચે વડોદરાના નાગરિકોના વિચારોમાં પણ મોટું પરિવર્તન આવી રહ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સિસના 'હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝ' વિભાગ દ્વારા વડોદરાના નાગરિકો પર એક વિશેષ સંશોધન કરવામાં આવ્યું છે.

દીકરી અને જમાઈ પણ રાખી શકે છે પુત્ર જેટલી જ સંભાળ

અભ્યાસમાં પરંપરાગત રૂઢિચુસ્ત વિચારોને તોડી પાડતો એક નવો પ્રવાહ સામે આવ્યો છે.

સમાન જવાબદારી: વડોદરાના 82.6% મધ્યમ વયના લોકો અને 76.3% વૃદ્ધો હવે એ વાત સ્વીકારી રહ્યા છે કે, માતા-પિતાની સેવા કરવી એ માત્ર પુત્રવધૂની એકલીની ફરજ નથી, પરંતુ પુત્ર અને પુત્રવધૂ બંનેની સમાન જવાબદારી છે.

દીકરી-જમાઈનો સ્વીકાર: વડોદરાના 87.4% મધ્યમ વયના નાગરિકો અને 77.5% વૃદ્ધોએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે પરણિત દીકરી અને જમાઈ પણ વડીલોની એટલી જ સચોટ અને યોગ્ય સંભાળ રાખી શકે છે, જેટલી પુત્ર રાખી શકે છે.

વડીલોમાં એકલતા વધવા પાછળના મુખ્ય કારણો

આ બદલાવ પાછળ સમયનો અભાવ અને વ્યવહારિક મર્યાદાઓ પણ જવાબદાર છે.

યુવા પેઢીનું સ્થળાંતર: મધ્યમ વયના 70% પુરુષો અને 67.5% સ્ત્રીઓનું માનવું છે કે સંતાનોનું નોકરી-ધંધાર્થે વિદેશ કે અન્ય શહેરોમાં સ્થાયી થવું તે વડીલોના એકાંતનું મુખ્ય કારણ છે.

જનરેશન ગેપ: બીજી તરફ, વૃદ્ધોનું માનવું છે કે વિચારોનો તફાવત અને જનરેશન ગેપ (પેઢીગત અંતર) તેમને એકલા પાડી દે છે.

'સેન્ડવિચ જનરેશન'નો માનસિક અને શારીરિક સંઘર્ષ

એમ.એસ. યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, વડોદરાનો મધ્યમ વય જૂથ (35થી 60 વર્ષ) હાલ 'સેન્ડવિચ જનરેશન'ની સ્થિતિમાં જીવી રહ્યો છે, જેઓ ઉપર વડીલો અને નીચે બાળકો બંનેની જવાબદારી વચ્ચે પીસાય છે.

માસ્ટર્સની વિદ્યાર્થિની અક્ષતા કાળે અને આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિકા ઠક્કર દ્વારા કરાયેલા આ અભ્યાસમાં બદલાતા કૌટુંબિક માળખાની વડીલો પર થતી અસરોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં 92.6% લોકોએ સ્વીકાર્યું કે, વડીલોની સંભાળ રાખવાની બાબત તેમની વ્યાવસાયિક ફરજો (જોબ/બિઝનેસ) સાથે સંઘર્ષ પેદા કરે છે. 77.5% લોકો વડીલોની સેવામાં આત્મિક સંતોષ અનુભવે છે. તેમ છતાં, 73.8% લોકોએ સ્વીકાર્યું કે બાળકો અને વડીલો બંનેની બેવડી ભૂમિકા નિભાવવાની આ પ્રક્રિયા તેમને માનસિક અને શારીરિક રીતે અંદરથી સંપૂર્ણપણે થકવી નાખે છે.

ઓલ્ડ એજ હોમ પ્રત્યે અભિગમ: મધ્યમ વયના 25% લોકો સંસ્થામાં રહેવા તૈયાર

બદલાતા સમય સાથે વડીલો માટેની ઔપચારિક સંસ્થાઓ (વૃદ્ધાશ્રમ કે કેર સેન્ટર) પ્રત્યેના અભિગમમાં પેઢીગત મોટો તફાવત જોવા મળ્યો છે. મધ્યમ વયના લગભગ 82% થી 85% લોકો હજુ પણ પરંપરાગત વૃદ્ધાશ્રમ અને આધુનિક રિહેબિલિટેશન સેન્ટર વચ્ચેનો ફરક સમજતા નથી. આ જાગૃતિના અભાવ વચ્ચે પણ, મધ્યમ વયના 25% લોકો ભવિષ્યમાં જરૂર પડ્યે આવી સંસ્થાઓમાં રહેવા તૈયાર છે, જ્યારે વૃદ્ધોમાં આ સ્વીકાર માત્ર 8.8% જ છે.

નવો ટ્રેન્ડ 'હોમ-બેઝ્ડ કેર':

આ સંશોધન ઈશારો કરે છે કે સમાજમાં વ્યાપ્ત અપરાધભાવ અને શરમ દૂર કરી ઔપચારિક સેવાઓને વડીલોના ત્યાગ તરીકે નહીં, પણ એક 'વ્યાવસાયિક સુવિધા' તરીકે જોવાની જરૂર છે. ભવિષ્યમાં વડોદરા જેવા શહેરોમાં વડીલો 'હોમ-બેઝ્ડ કેર' એટલે કે પોતાના ઘરે રહીને જ આધુનિક મેડિકલ અને કેરિંગ સેવાઓ મેળવે તેવું વલણ પણ ઝડપથી વધી રહ્યું છે.