Gujarat

ટોળાએ જૂનીગઢી વિસ્તાર તરફ ધસી જઇ ભારે પથ્થરમારા સાથે તોડફોડ કરી

By GS TEAM
20 Sep 20256 mins read
ટોળાએ જૂનીગઢી વિસ્તાર તરફ ધસી જઇ  ભારે પથ્થરમારા સાથે તોડફોડ કરી

 વડોદરા,ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકતા શુક્રવારની  મધરાતે શહેરના અતિ સંવેદનશીલ એવા પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં ટોળાએ પથ્થરમારો કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. ઉશ્કેરણીજનક નારેબાજી કરી ટોળાએ પથ્થરમારો કરી વાહનોની તોડફોડ કરી હતી.  બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બળ પ્રયોગ કરીને પોલીસે ટોળાને વિખેરી મામલો શાંત પાડયો હતો. 

શુક્રવારે રાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જૂનીગઢીના યુવકે મૂકી હતી. જે પોસ્ટ ટૂંક સમયમાં જ વાયરલ થઇ ગઇ હતી. જેના પગલે ધાર્મિક લાગણી દુભાઇ હોવાની ફરિયાદ નોંધાવવા માટે મહંમદ અકરમ રજ્જબભાઇ મનસુરી (રહે. મદાર હોટલની બાજુમાં, યાકુતપુરા) સિટિ પોલીસ સ્ટેશન ગયા હતા. તેમણે પોતાના મોબાઇલ ફોનમાં ઉપરોક્ત પોસ્ટ પોલીસને બતાવી હતી. તેઓની રજૂઆત અંગે કાયદેસરની કાર્યવાહી ચાલતી હતી. તે દરમિયાન  પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. પરિસ્થિતિની ગંભીતાને જોઇને સિટિ પોલીસે વધુ સ્ટાફ બોલાવ્યો હતો. પોલીસ સ્ટાફ ટોળાને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ, કેટલાક લોકોની ઉશ્કેરણીથી વાતાવરણ વધુ તંગ બન્યું હતું અને ટોળા મોટી સંખ્યામાં ભેગા થવા લાગ્યા હતા. ટોળું ઉશ્કેરાઇને જૂનીગઢી વિસ્તાર તરફ જવા લાગ્યું હતું. પોલીસે ટોળાને સમજાવવાની કોશિશ  કરી હતી. પરંતુ, ટોળું વધુ ઉગ્ર બન્યું હતું. ટોળાએ લોકોના મકાન પર તથા પોલીસને ટાર્ગેટ બનાવી પથ્થરમારો શરૃ કર્યો હતો. ટોળાએ એટલેથી નહીં  અટકતા વાહનોની તોડફોડ કરી  હતી. તેમજ નજીકમાં નવરાત્રિના પંડાલને પણ નુકસાન પહોંચાડયું હતું. પોલીસે  ટોળાને વિખેરતા ટોળું જૂનીગઢીથી નીકળી આગળ લીમવાલી મસ્જિદ પાસે ઉભું રહી ગયું હતું અને  ત્યાં ફરીથી પથ્થરમારો શરૃ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે બે ગુના દાખલ કર્યા છે. ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરનાર ગોલુ કહાર તથા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી તેમજ જૂનીગઢીમાં પથ્થરમારો અને તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કરનાર ટોળા સામે અલગ - અલગ બે ગુના દાખલ કર્યા છે. આ ઘટનામાં  પોલીસે કુલ ૫૦ ની ધરપકડ કરી છે. જેમાંથી ૩૦ લોકોને તો ટોળામાંથી રંગેહાથ ઝડપી પાડયા હતા.



ટોળાની ઉશ્કેરણી કરનાર ત્રણ આરોપી ઓળખાયા

કાટ ડાલો ઉનકો, પોલીસ વાલો કો ભી જલા દેંગે

વડોદરા,

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, પોલીસ ટોળાને સમજાવવાની કોશિશ કરતી હતી ત્યારે જ  મોહંમદહનિફ અબુબકર મેમણ, જુબેર યાકુબભાઇ મેમણ તથા મોહંમદતૌફીક મોહંમદહુસેન શેખ જેઓ પ્રાઇવેટ પ્રેસમાં કામ કરતા હોઇ તેઓએ  ટોળાની ઉશ્કેરણી કરી હતી અને અન્ય લોકોને બોલાવ્યા હતા. માહોલમાં ઉશ્કેરાટ ફેલાતા ટોળાએ નારેબાજી શરૃ કરી હતી. કેટલાક લોકોએ એવા નારા લગાવી ઉશ્કેરણી કરી હતી કે,  પોલીસ વાલો કો  જલા દેંગે, પોસ્ટ કરનેવાલે કા  ઘર સિલગા દેંગે



એક પોલીસ જવાનને પથ્થર વાગતા દાંત તૂટી ગયા

 વડોદરા,

ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે જરૃરી બળ વાપર્યુ હતું. કામગીરી દરમિયાન ડીસીપી ઝોન - ૩ ના હે.કો. દશરથભાઇ ભાણાભાઇ ચૌધરીને માથા અને મોંઢા પર પથ્થર વાગ્યા હતા. જેમાં તેઓનો દાંત તૂટી ગયો હતો. તેમજ જાવેદ મલંગભાઇ મનસુરી (રહે. યાકુતપુરા, ચૂડીવાલાની ગલી) ને પણ હોઠ પર ઇજા થઇ હતી. આ ઉપરાંત અન્ય ત્રણ થી ચાર લોકોને પણ ઓછીવત્તી ઇજા  પહોંચી હતી.


પોલીસ સમજાવવામાં રહી અને ટોળું  હિંસા પર ઉતરી આવ્યું

ટોળાએ સિટિ પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર પહોંચીને પથ્થરમારો કર્યો

 વડોદરા,

પાણીગેટ માંડવી રોડ પર ગણેશોત્સવની શરૃઆત પહેલા શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવવામાં આવી હતી. તે સમયે સિટિ પોલીસે એ વાતનો ગર્વ લીધો હતો કે, અમારી સમયસૂચકતા અને સમજાવટના પગલે લોકોએ કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ નહીં કરી કાયદામાં વિશ્વાસ રાખી શાંતિ જાળવી હતી. જોકે, આ વખતે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હતી. ત્યારે જ પોલીસ સ્ટેશનની બહાર ટોળું ભેગું થવા લાગ્યું હતું. પોલીસ એ ભરોસા પર રહી કે, સમજાવટથી મામલો થાળે પડી જશે.  પોલીસની ગણતરી ખોટી પડી અને  લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા અને પરિસ્થિત કાબૂ બહાર જતી રહી હતી. ટોળું પોલીસ સ્ટેશનથી અંદાજે એક કિલોમીટર દૂર જૂનીગઢી વિસ્તાર સુધી પહોંચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં જૂનીગઢી વિસ્તારમાં જ એક પરિવારને મકાનમાં સળગાવી દેવામાં આવ્યું હતું.


ઇન્સ્ટાગ્રામ પર  વીડિયો અપલોડ કરનારને ઝડપી પાડી પોસ્ટ ડિલિટ કરાવી

આરોપી અગાઉ પણ એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હોવાનું બહાર આવ્યું

વડોદરા,

ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી જે પોસ્ટને લઇને આ ધમાસણ થયું હતું. તે પોસ્ટ મૂકનાર આરોપીને પોલીસે જૂનીગઢી વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. તેની સામે ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

એ.આઇ. જનરેટ  આ વીડિયો અપલોડ કરનાર ગોલુ કહાર નામના યુવકને સિટિ પોલીસે તાત્કાલિક ઝડપી લીધો હતો. પોલીસે તેની પોસ્ટ પણ  ડિલિટ કરાવી દીધી હતી. પરંતુ, ત્યાં સુધી સોશિયલ મીડિયા  પ્લેટફોર્મ પર પોસ્ટ વાયરલ થઇ ગઇ હતી. પોલીસે ગોલુના મોબાઇલ ફોનની ચકાસણી હાથ ધરી હતી.  પરંતુ, અન્ય કોઇ વિવાદાસ્પદ પોસ્ટ મળી આવી નહતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોલુએ અગાઉ પણ એક વિવાદાસ્પદ  પોસ્ટ કરી હતી. પરંતુ, તે સમયે અંદરોઅંદર સમાધાન થઇ ગયું હતું.



વડોદરામાં પહેલી વખત પોલીસ સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ

રજૂઆત કરવા આવેલી એક વૃદ્ધાને ધક્કા મારીને પોલીસ સ્ટેશનની બહાર કાઢી મૂક્યા

 વડોદરા,

પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓને સિટિ પોલીસ સ્ટેશન બેસાડી રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન એક વૃદ્ધા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવી હતી. પરંતુ, પોલીસ સ્ટાફે તેઓને અંદર જવા દીધા નહતા અને ધક્કા મારીને બહાર કાઢ્યા હતા. પરંતુ, વૃદ્ધા જવા માંગતી નહતી. છેવટે કેટલાક લોકો આવીને  વૃદ્ધાને ટીંગાટોળી કરીને બહાર લઇ ગયા હતા. તે દરમિયાન નાની પુત્રીને લઇને એક ઉચ્ચ શિક્ષિત મહિલા  પોલીસ સ્ટેશન આવી હતી. તેઓની રજૂઆત હતી કે, મારા પતિ  રાતે  હોટલમાં હતા. ત્યાંથી પોલીસ તેઓને પકડી લાવી છે. વડોદરા  પોલીસના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના બની હતી કે, પોલીસ સ્ટેશન કે જે જાહેર પબ્લિક પ્લેસ છે. ત્યાં દરેક નાગરિક માટે નો એન્ટ્રી કરી દેવામાં આવી હતી.


હોબાળા પછી આરોપીઓને હેડ ક્વાર્ટર અને ડીસીબી લઇ જવાયા

 વડોદરા,

સિટિ પોલીસ સ્ટેશનમાં આરોપીઓને બેસાડી રાખ્યા હોઇ તેઓના સગા  ત્યાંથી હટવાનું નામ લેતા નહતા. તેના પગલે તમામ માટે પોલીસે નો એન્ટ્રી કરી દીધી હતી. ત્યારબાદ પોલીસને ભાન થતા પકડાયેલા આરોપીઓને હેડ ક્વાર્ટર અને ભદ્ર કચેરી ડીસીબીની ઓફિસે લઇ જવામાં આવ્યા  હતા. આરોપીઓને લઇ જવાતા હતા ત્યારે પણ ટોળાએ પોલીસ વાનને ઘેરી લીધી હતી. જોકે, તે સમયે પૂરતો સ્ટાફ હોઇ કોઇ અનિચ્છનીય ઘટના બની નહતી.


પોલીસનું બાતમીદારનું નેટવર્ક હવે પહેલા જેવું રહ્યું નથી

 વડોદરા,

ઉચ્ચ અધિકારીઓ દ્વારા વારંવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકાતા વીડિયો અને પોસ્ટ પર ચાંપતી નજર રાખવાની સૂચના આપવામાં આવે છે. વડોદરામાં ગણેશોત્સવ પહેલા પણ ધાર્મિક લાગણી દુભાવવાની કોશિશ થઇ હતી. ત્યારે પણ પાછળથી જાણ થઇ કે, આરોપીઓ સોશિયલ મીડિયના પર  માફિયા ગેંગ નામના ગુ્રપના સભ્યો છે. નવરાત્રિ પહેલા પણ પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. આ બંને ઘટના  પછી પોલીસના બાતમીદારોનું નેટવર્ક પણ નિષ્ફળ થઇ ગયું હોવાનું જણાઇ આવે છે.



સમજાવવા આવેલા અગ્રણીઓની અપીલ પણ ટોળાએ  ધ્યાને ના લીધી

વડોદરા,

ગઇકાલે રાતે સિટિ  પોલીસ સ્ટેશન  પાસે ઉમટી પડેલા ટોળાએ પાણીગેટ માંડવી રોડને બાનમાં લઇ લીધો હતો. જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઇ હતી. ટોળાને સમજાવવા માટે પોલીસે સમાજના આગેવાનોની મદદ લીધી હતી. અગ્રણીઓએ લાઉડ સ્પીકર પર લોકોને જતા રહેવા અપીલ કરી હતી. તેમછતાંય ટોળું હટવાનું નામ લેતું નહતું. ઉલટાનું કેટલાક લોકોએ ઉશ્કેરણી કરતા ટોળું વધારે વિફર્યુ હતું.


આજે ભારત પાકિસ્તાન મેચના પગલે બંદોબસ્ત વધાર્યો

 વડોદરા,

શુક્રવાર રાતની ઘટના પછી પોલીસ વધુ સતર્ક બની ગઇ છે. પોલીસે પાણીગેટ માંડવી રોડ, જૂનીગઢી વિસ્તારમાં વધુ એસ.આર.પી.ના પોઇન્ટ ખડકી દીધા છે. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી  દીધું છે. આવતીકાલે ભારત અને  પાકિસ્તાનની ક્રિકેટ મેચ છે. જેના  પગલે પણ પોલીસ વધુ સતર્ક થઇ ગઇ છે.