જુનવાણી ઢબનો જાદુ! આરસપહાણના ખલ-વાટણીયા બન્યા નવી ફેશન, મિક્સરની ગરમીમાં ગુમાવાય છે મસાલાની સોડમ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Khal-Vataniyu : આજના આધુનિક યુગમાં નીતનવી ટેકનોલોજીએ રસોડાનું સ્વરૂપ ભલે બદલી નાખ્યું હોય, પરંતુ દાળ-શાકના મસાલા માટે આજે પણ લોકો પરંપરાગત 'ખલ-વાટણીયા'નો જ આગ્રહ રાખી રહ્યા છે. હાથે ખાંડેલા આદુ-મરચાં અને મરી-મસાલાનો સ્વાદ અનેરો લાગે છે અને તે લાંબો સમય સુધી તાજા રહે છે.
ખલ-વાટણીયાની જુગલબંધી
રોજિંદા જીવનમાં ભલે વીજળી સંચાલિત ઉપકરણો આવ્યા હોય, પરંતુ હજારો વર્ષ જૂના આ સાધને ક્યારેય વિદાય લીધી નથી. રસોડામાં દિવસમાં બે-ત્રણ વાર વપરાતા ખલ-વાટણીયાની જુગલબંધી આજે પણ યથાવત્ છે. લાકડા અને સ્ટીલના વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં, પથ્થર જેવી મજા કોઈ જ ધાતુમાં મળતી નથી. આજના શહેરી યુગમાં આ દ્રશ્ય થોડું દુર્લભ જરૂર બન્યું છે, પણ લુપ્ત થયું નથી.
પારંપરિક ખલ-વાટણીયા બનાવવાનો ધંધો પેઢી દર પેઢી જળવાઈ રહ્યો છે. ભલે તેમાં વળતર ઓછું હોય, પરંતુ કારીગરોની કલા અને મહેનત આજે પણ અકબંધ છે. નક્કર પથ્થરની પસંદગી કરી, જરૂરિયાત મુજબ ટુકડો કાપીને તેને કાળજીપૂર્વક ટાંચવામાં આવે છે અને સુંવાળો બનાવાય છે. આ કામ ખૂબ જ ધીરજપૂર્વક કરવું પડે છે.
એક સમય હતો જ્યારે ઘરઘંટીના પથ્થર પણ આ જ રીતે બનતા, પરંતુ હવે સ્વયં સંચાલિત મશીનો અને ધાતુની જાળીઓના વપરાશથી પથ્થરની ઉપયોગિતા ક્રમશઃ ઘટી રહી છે. તેમ છતાં, રસોડામાં પરંપરાનું સ્થાન અજોડ છે.
મિક્સરના મસાલામાં સોડમ ક્યાંથી?
નિષ્ણાતો અને અનુભવી લોકોના મતે, મિક્સરમાં ઝડપથી ફરતી બ્લેડને કારણે ઉત્પન્ન થતી ગરમીથી મસાલા પોતાનો અસલ સ્વાદ અને કુદરતી સોડમ ગુમાવી દે છે. ખલ-વાટણીયામાં ધીમે-ધીમે ખાંડવાથી મસાલાના કુદરતી તેલ અને સુગંધ જળવાઈ રહે છે, જે શાકભાજીમાં દેશી અને અસલ સ્વાદ પ્રદાન કરે છે. આ જ કારણ છે કે આધુનિકતા વચ્ચે પણ દેશી સ્વાદના શોખીનો ખલ-વાટણીયાને જ સર્વોપરી માને છે.
આરસપહાણના ખલ-વાટણીયાની ફેશન
સાદા પથ્થરને બદલે આજકાલ સફેદ આરસપહાણમાંથી બનાવેલા ખલ-વાટણીયા વાપરવાનો ટ્રેન્ડ અનેક ઘરે જોવા મળે છે. સફેદ અને ચમકદાર આરસ મોડર્ન કિચનની શોભા વધારે છે અને સરળતાથી સ્વચ્છ પણ થઈ જાય છે.




