Gujarat

આણંદ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ કામે લાગ્યો

By GS Team
15 Mar 20202 mins read
This article was originally published on 15 Mar 2020
આણંદ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ કામે લાગ્યો

આણંદ,15 માર્ચ 2020 રવિવાર

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેવડી ઋતુનો અનુભવ થતાં મચ્છરોનો ઉપદ્રવ બેફામ બન્યો છે. કેટલાક વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી સપ્તાહથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દવા તેમજ મચ્છરદાનીના વિતરણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં મેલેરીયાના કેસો જોવા મળશે તેવા વિસ્તારોમાં જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા દવા તેમજ મચ્છરદાનીઓનું વિતરણ કરાશે.

માર્ચ મહિનાની શરૂઆત થતાં જ સમગ્ર આણંદ જિલ્લામાં ધીમે-ધીમે તાપમાનનો પારો ઉંચે જતા ઉનાળાની ગરમીની શરૂઆત થઈ હતી. જો કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધુ રહેતા જિલ્લાના વિવિધ સ્થળોએ રોગચાળો વકર્યો હોવાના અહેવાલ સાંપડયા છે. 

ભેજવાળા વાતાવરણને લઈને મચ્છરોનો ઉપદ્રવ બેફામ બન્યો છે. જેને લઈ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગના મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે આગામી સપ્તાહથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દવા તેમજ મચ્છરદાનીના વિતરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. 

મેલેરીયા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ સરકારી ધારા-ધોરણ મુજબ દર વર્ષે ૧૨ હજારની વસ્તીએ ૧ કે તેથી વધુ મેલેરીયાના એપીઆઈ હેઠળ આવતા ગામો અથવા વિસ્તારમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાય છે. જે મુજબ આગામી સપ્તાહથી જિલ્લાના વિવિધ ગામોમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે જરૂરીયાત મુજબ વિવિધ વિસ્તારોમાં મચ્છરદાનીનું વિતરણ કરાશે. જેમાં સગર્ભા મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. સિંગલ-ડબલ બેડની અલગ-અલગ સાઈઝની મચ્છરદાનીઓ જરૂરીયાતમંદ પરિવારને આપવામાં આવશે. આ દવાયુક્ત મચ્છરદાની ત્રણથી ચાર વર્ષ સુધી મચ્છર સામે રક્ષણ આપવા સક્ષમ હોવાનું તેઓએ ઉમેર્યું હતું.