સિંહોમાં રોગના કારણે વનતંત્ર રઘવાયું બન્યું : 1 ACF, 5 RFO અને 11 ફોરેસ્ટરની જસાધાર બદલી: વનતંત્રની ચૂપકિદી વચ્ચે મૃત્યુઆંક વધારે હોવાની આશંકા
જૂનાગઢ, અમરેલી, : રાજ્ય સરકારે થોડા સમય પહેલાં ગીર સહિત વન્ય પ્રાણીઓનાં ક્ષેત્રમાં કામ કરી ગયેલા અનુભવી સ્ટાફને બદલાવી નાખ્યા બાદ હવે આ રોગચાળાના કારણે 17 અનુભવી અધિકારી- કર્મચારીઓની હાલ જસાધાર ખાતે બદલી કરવામાં આવી છે.
અગાઉ વનવિભાગે ગીર ક્ષેત્રમાં વન્યપ્રાણીઓને લગતી કામગીરી કરનારા સ્ટાફને બદલી નાંખ્યો હતો અને તેના સ્થાને વિસ્તરણ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફને મુક્યો હતો. ત્યારે તમામ સ્ટાફ વન્યપ્રાણીઓ સાથેની કામગીરી અંગેનો અનુભવ મેળવી શકે એ માટે બદલી કર્યાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ હકીકત કંઇક અલગ જ હતી અને તેની તપાસ ચાલી રહી છે. હવે સિંહોમાં રોગ ફેલાયો છે ત્યારે હાલ જે સ્ટાફ છે તેને વન્યપ્રાણીઓને લગતી કામગીરીનો અનુભવ ન હોવાથી અગાઉ ગીરમાં ફરજ બજાવી ગયેલા અનુભવી 1 ACF, 5 RFO 11 ફોરેસ્ટરની જસાધાર ખાતે બદલી કરવામાં આવી છે. ઊચ્ચ કક્ષાએથી આ અંગેનો મૌખિક ઓર્ડર થયાનું જાણવા મળ્યું છે.
દરમિયાન, ઊચ્ચ અધિકારીઓ દ્વારા સિંહોના મોતના આંકડા અને માહિતી છૂપાવવામાં આવી રહ્યા હોવાથી વાસ્તવિક મૃત્યુઆંક વધારે હોવાની આશંકા સેવાઈ રહી છે. ઊચ્ચ અધિકારીઓની કડક સૂચનાઓ અને દબાણને કારણે હાલમાં કોઈ પણ તબીબ આ સંવેદનશીલ મામલે મીડિયા સમક્ષ ખૂલીને બોલવા તૈયાર નથી અને સાચી માહિતી બહાર આવી રહી નથી. એમ કહેવાય છે કે પરિસ્થિતિ નાજુક હોવાથી તપાસ ટીમે હાલ પૂરતો મીડિયા સાથે કોઈ પણ વાતચીત કે વિગતો શેર કરી નથી. હાલમાં અનેક અસરગ્રસ્ત સિંહોને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ એનિમલ કેર સેન્ટરોમાં ખસેડવામાં આવ્યા છે.


