ચૂંટણી લડવા મુરતિયાઓને દાવેદારી કરવાનો આજે છેલ્લો દિવસ
મનપામાં ૬૩, ન.પા.માં ૬૯, જિ.પં.માં ૪૭ અને તા.પં.માં ૧૯૪ ઉમેદવારીપત્રો જમા થયા
ભાવનગર - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેમ એક જ દિવસમાં ૩૮૬ ઉમેદવારીપત્રો ભરાયા છે. સૌથી વધુ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૧૯૪ ફોર્મ જમા થયા હતા.
ભાવનગર જિલ્લામાં ૨૬મી એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓનો ટેમ્પો જામવા લાગ્યો છે. આજે શુક્રવારે ભાવનગર મહાપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ૭૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર ન.પા.ની સામાન્ય ચૂંટણી માટે આજે ૬૯ ફોર્મ, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ૪૭ અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૧૯૪ ફોર્મ ચૂંટણી શાખામાં જમા થયા છે. આવતીકાલે તા.૧૧-૪ને શનિવારે ચૂંટણી લડવા મુરતિયાઓને દાવેદારી કરવાનો છેલ્લો દિવસ હોય, સવારથી જ ફોર્મ જમા કરાવવા ઉમેદવારો અને સમર્થકોની દોડધામ જોવા મળશે.
ઉલ્લેખનિય છે કે, મનપા, પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે આજની સ્થિતિએ કુલ ૪૫૨ ફોર્મ જમા થયા છે. ૧૩મીએ તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. ૧૫મીની સાંજ બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા પછી ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૃ થશે.


