Gujarat

ભાવનગર શહેર-જિલ્લામાં રોગચાળો વધ્યો, આરોગ્ય વિભાગમાં હરકતમાં

By GS Team
16 Oct 20192 mins read
This article was originally published on 16 Oct 2019
ભાવનગર શહેર-જિલ્લામાં રોગચાળો વધ્યો, આરોગ્ય વિભાગમાં હરકતમાં
ભાવનગર, તા. 16 ઓક્ટોબર 2019, બુધવાર

ચોમાસા બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે, જેમાં ડેંગ્યુ, મલેરીયા સહિતના પાણીજન્ય રોગના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રોગચાળો વધતા ભાવનગર મહાપાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ, ફોંગીગ, પત્રીકા વિતરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસા બાદ રોગચાળો વધ્યો છે તેથી દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ડેંગ્યુના કેસ ખુબ જ વધ્યા છે તેથી લોકોની ચિંતા વધી છે અને લોકો આરોગ્ય વિભાગ પર રોષ ઠાલવી રહ્યા છે. તંત્ર કોઈ પગલા લેતુ નથી તેથી રોગચાળો વધ્યો છે તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે. જિલ્લાના ગ્રામ્યના આરોગ્ય કેન્દ્રોમાં ગત તા. 13 ઓકટોબરની સ્થિતીએ 27 ડેંગ્યુના કેસ નોંધાયા છે.

આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ અનેક કેસ નોંધાયા છે તેથી લોકો ચિંતીત જોવા મળી રહ્યા છે. શહેર અને જિલ્લામાં રોગચાળો વધવાના પગલે મહાપાલિકા તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે દવા છંટકાવ, ફોંગીગ, લોક જાગૃતી માટે પત્રીકા વિતરણ, પ્રચાર, જુથ ચર્ચા વગેરે કામગીરી હાથ ધરી છે.

શહેરના જુદા જુદા વિસ્તારમાં મહાપાલિકાના આરોગ્ય વિભાગે ફોંગીગ કામગીરી શરૂ કરી છે. મેલેરીયા વિભાગના સ્ટાફને પણ કામે લગાડયો છે. આ કામગીરીમાં આશરે 184 કર્મચારીઓ કામ કરતા હોવાનુ જાણવા મળેલ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલના તમામ કેસોની તપાસ, સર્વેલન્સ, પોરાનાશક, ફોગીંગ અને ગપ્પી માલની મુકીને પગલા લેવાય રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોના સહકારની પણ અપીલ કરી છે અને લોકોએ પણ ઘરમાં સફાઈ સાથે પોરાનાશક કામગીરી કરવી જરૂરી બની રહે છે. ઘરની આસપાસ પાણી ભરાવા દેવુ નહી, ગંદકી ફેલાય નહી તેનુ ધ્યાન રાખવુ સહિતની કામગીરી કરવા લોકોને આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.