Get The App

ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે

૫૦ કિલોમીટરથી વધુ લંબાઈમાં મેટ્રો કનેકટિવીટી, સ્પોટર્સ થીમ આધારીત આયોજનથી પીપલ ફ્રેન્ડલી રોડ બનાવાશે

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે 1 - image

અમદાવાદ,મંગળવાર,19 મે,2026

વર્ષ-૨૦૩૦ના કોમન વેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદને નવી અર્બન ઓળખ મળે એ પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૩૩૫ કરોડના ટેન્ડર મંજૂર કરવામા આવ્યા છે. શહેરમાં ૧૦.૨૩ કિલોમીટર લંબાઈમાં ઓગણજ સર્કલ થઈ અખબારનગર રોડ થઈ દધીચી બ્રિજ સુધી ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે. ૫૦ કિલોમીટરથી વધુ લંબાઈમાં મેટ્રો કનેકટિવીટી,સ્પોર્ટસ થીમ આધારીત આયોજનથી પીપલ ફ્રેન્ડલી રોડ બનાવાશે તેવો દાવો રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા કરવામા આવ્યો છે.

થલતેજ ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ અને હેલ્મેટ સર્કલથી વિજય ચાર રસ્તા સુધી ૩.૪૦ કિલોમીટર લાંબો મેટ્રો પ્રિસિંકટ રોડ બનાવાશે. ચીમનભાઈ ફલાયઓવરબ્રિજ  એઈસી ક્રોસ રોડથી મોટેરા ક્રોસ રોડ તથા મોટેરા ક્રોસ રોડથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વિશ્વકર્મા મેટ્રો સ્ટેશન સુધી ૪.૨૦ કિલોમીટર લાંબો સ્પોટર્સ થીમ આધારિત રોડ બનાવાશે.વિજય ચાર રસ્તાથી જુની પાસપોર્ટ ઓફિસ અને સેપ્ટ ચાર રસ્તાથી કોમર્સ છ રસ્તા સુધી ૧.૭૦ કિલોમીટર લંબાઈનો એજયુકેશનલ નોલેજ સોસાયટી રોડ તેમજ આશ્રમ રોડથી પશ્ચિમ રિવરફ્રન્ટને જોડતા વિવિધ એન્ટ્રી પોઈન્ટ સુધી ૧.૩૦ કિલોમીટરનો કનેકટિવીટી કોરીડોર બનાવાશે.રિવરફ્રન્ટ એન્ટ્રી પોઈન્ટમાં નવા વાડજ, ઉસ્માનપુરા, ઉસ્માનપુરા ગાર્ડન , બાટા જંકશન, વલ્લભસદન તથા એલિસબ્રિજનો સમાવેશ કરવામા આવ્યો છે.કામગીરી હાલ પ્રગતિમા હોવાનુ તંત્રનુ કહેવુ છે.

લોકોને શું સુવિધા મળશે?

આ પ્રકારના રોડના આયોજનથી લોકોને મુખ્ય કેરેજ વે ઉપરાંત રાહદારીઓ માટે ફૂટપાથ, સાયકલ ટ્રેક,ઓટો રીક્ષા સ્ટેન્ડ, બેસવાની સુવિધા, લેન્ડસ્કેપ, પ્લાન્ટેશન,બાળકો માટે પ્લે એરીયા, રમતગમતની સિધ્ધિઓ દર્શાવતા આર્ટ ઈન્સ્ટોલેશન,પેનલ પણ મુકવામા આવશે.

એન.સી.સી.ચોકથી મીઠાખળી સર્કલ સુધી રોડ ડેવલપ કરાશે

૬.૬૦ કિલોમીટર લંબાઈમાં લો-ગાર્ડન આસપાસનો રોડ ડેવલપ કરવામા આવી રહયો છે. આ ઉપરાંત એન.સી.સી.ચોકથી માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ થઈ જલારામ અંડરપાસ રોડ, જીઆઈસીએઈથી પંચવટી સર્કલ રોડ, મીઠાખળી ક્રોસ રોડથી માઉન્ટ કાર્મેલ સ્કૂલ, કોમર્સ છ રસ્તાથી મીઠાખળી સર્કલ સુધી રૃપિયા ૯૯.૯૦ કરોડના ખર્ચથી રોડ ડેવલપ કરવામા આવશે.આ પ્રોજેકટ હેઠળ પાર્કિંગ,પ્લાન્ટેશન સાથેનો વોકવે તેમજ નવા લાઈટ પોલ જેવી સુવિધા ઉભી કરવામા આવી રહી છે.

છ કિલોમીટર લંબાઈના બે નવા આઈકોનિક રોડ બનાવાશે

વર્ષ-૨૦૨૧થી ૨૦૨૬ની ટર્મમા શહેરમાં ૧૮ કિલોમીટર લંબાઈના છ રોડ આઈકોનિક બનાવવા મંજૂરી અપાઈ હતી.જેની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત પકવાન જંકશનથી માનસી સર્કલ થઈ કેશવબાગ જંકશન રોડ તથા એરપોર્ટથી ડફનાળા જંકશન જેવા વધુ છ કિલોમીટર લાંબા આઈકોનિક રોડ બનાવાશે.આઈકોનિક રોડ માટે રુપિયા ૪૮૪ કરોડના અલગ અલગ ટેન્ડર કરવામા આવ્યા છે.

મોડેલ રોડ કયાં-કયાં બનશે

કેસર વાટિકા બંસરી સર્કલથી રીંગરોડ,નાના ચિલોડાથી કરાઈ રીંગ રોડ, કેસર સર્કલથી  નેશનલ હેન્ડલૂમ રોડ, સોનીની ચાલીથી ઓઢવ ફાયર સ્ટેશન થઈ સરદાર પટેલ રીંગ રોડ, જડેશ્વર ચાર રસ્તાથી એસ.પી.રીંગ રોડ, ચાણકયપુરીથી રન્નાપાર્ક, પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી એસ.જી.હાઈવે સુધી.