Gujarat

ઉના નજીક ગરાળ ગામે રોડ રિપેર કરવા આવેલું ડમ્પર જ ભ્રષ્ટાચારના ખાડામાં ખૂંપી ગયું!

By GS TEAM
4 Oct 20251 min read
ઉના નજીક ગરાળ ગામે રોડ રિપેર કરવા આવેલું ડમ્પર જ ભ્રષ્ટાચારના ખાડામાં ખૂંપી ગયું!

રોડ પર ટ્રકને બહાર કાઢવા 2 JCBની મદદ લેવી પડી : રસ્તા રિપેરિંગના બદલે વધુ ખાડા પડયા : લોકોમાં રમૂજ વ્યાપી 

સામતેર, : ઉના-ભાવનગર હાઇવેથી ગરાળ ગામ નજીક રોડ બેસી ગયો હતો. આજે રિપેર કરવા માટે ડમ્પર માલ લઈ આ સ્થળે પહોંચ્યુ હતું પરંતુ આ ટ્રક પણ ભ્રષ્ટાચારના ખાડામાં ખુંપી ગયો હતો. જેને બહાર કાઢવા માટે બે જેસીબી લગાડવા પડયા હતા. આ બાબતથી લોકોમાં રમૂજ વ્યાપી હતી.

ઉના-ભાવનગર હાઇવેથી પર ગરાળ ગામ તરફનો રસ્તો બેસી ગયો હતો. જેના પર વૃક્ષની ડાળીઓ રાખી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ થતા તંત્ર દોડતું થયું હતું અને આજે બપોર બાદ આ બેસી ગયેલા રોડને રિપેર કરવા માટે ડમ્પર મટીરીયલ લઈ આ સ્થળે પહોંચ્યું હતું. જેવું ડમ્પર ત્યાં ઉભું રહ્યું ત્યાં જ ભ્રષ્ટાચારના ખાડામાં ખુંપી ગયું હતું. ડમ્પરને બહાર કાઢવા માટે મહેનત કરવા છતાં ડમ્પર ભ્રષ્ટાચારના ખાડામાંથી બહાર નીકળવાનું નામ લેતું ન હતી. આખરે બે જેસીબીની મદદથી મહામહેનતે આ ડમ્પરને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ડમ્પર બેસી ગયેલા રસ્તાને રિપેર કરવા માલસામાન લઈ આવ્યું હતું પરંતુ રિપેરીંગ તો ઠીક વધુ ખાડા થઈ ગયા હતા. આ બાબતથી વિસ્તારના લોકો અને વાહનચાલકોમાં રમૂજ વ્યાપી હતી. હવે આ રસ્તો ક્યારે રિપેર થાય છે એ જોવું રહ્યું.