Get The App

આજે સવારે બંધ કવર ખોલવામાં આવશે, અમદાવાદના નવા મેયર પદેપશ્ચિમના કોર્પોરેટરની પસંદગી થવાની સંભાવના

પહેલી બોર્ડ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ૧૨, એ.એમ.ટી.એસ.ના ૮ સભ્યોની પણ નિમણૂંક કરાશે

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
આજે સવારે બંધ કવર ખોલવામાં આવશે, અમદાવાદના નવા મેયર પદેપશ્ચિમના કોર્પોરેટરની પસંદગી થવાની સંભાવના 1 - image

અમદાવાદ,સોમવાર,25 મે,2026

પરિણામ જાહેર થયાના ૨૯ દિવસ પછી આજે અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે.નવી ટર્મમાં રોસ્ટર મુજબ મેયરની જગ્યા પછાત વર્ગની છે.ડેપ્યુટી મેયર પદ મહિલા કોર્પોરેટરને ફાળે જશે.આજે સવારે ૧૦ કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભાજપ હાઈકમાન્ડ બંધ કવર ખોલી મેયરપદના ઉમેદવારના નામની જાહેરાત કરશે.ગત ટર્મમાં મેયર મધ્યઝોનના હતા. આ ટર્મમાં મેયરપદે પશ્ચિમના કોર્પોરેટરની પસંદગી થવાની પ્રબળ સંભાવના છે.મેયરપદે થલતેજ વોર્ડના હીતેશ બારોટ ઉપર કળશ ઢોળાશે એમ મનાઈ રહયુ છે.પહેલી બોર્ડ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ અને એ.એમ.ટી.એસ.ના ૮ સભ્યોની પણ નિમણૂંક કરવામા આવશે.

મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હીતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ,જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં છે.ગત ટર્મમા મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા.આ કારણથી આ વખતે ફરીથી મેયર પદે મધ્યઝોનના કોર્પોરેટરની પસંદગી થવાની શકયતા નહીવત છે. હીતેશ બારોટ અને બોડકદેવ વોર્ડમાંથી કોર્પોરેટર બનેલા ધરમશી દેસાઈ  કેન્દ્રીય ગૃહમંત્રીના નિકટતમ વિશ્વાસુમાં મનાય છે.નોંધપાત્ર બાબત એ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થલતેજ વોર્ડની સામાન્ય બેઠક ઉપરથી હીતેશ બારોટને ઉમેદવારી કરી કોર્પોરેટર બનાવવા પાછળ પક્ષનુ ગણિત તેમને મેયર બનાવવાનુ હોવાનુ ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. ડેપ્યુટી મેયર પદે અસારવા વોર્ડના અનસૂયા પટેલ,લાંભા વોર્ડના ડોકટર ચાંદની પટેલની સાથે પાલડી વોર્ડના ક્રાંતિબેન ગાંધીનુ નામ પણ સંભવિત મનાઈ રહયુ છે.સ્ટેન્ડિંગ કમિટીના બાર સભ્યો માટે સોમવારે ભાજપ તરફથી કુલ ૨૧ ફોર્મ ભરાવવામા આવ્યા હતા. આ પૈકી નવ ફોર્મ પરત ખેંચાવવામા આવશે.

નોંધપાત્ર બાબત એ છે કે, સ્ટેન્ડિંગ કમિટી જેવી મહત્વની કમિટીના ચેરમેન તરીકે છેલ્લા ઘણાં વર્ષથી પાટીદાર સમાજના કોર્પોરેટરની પસંદગી કરવામા આવી નથી. આ કારણથી નવી ટર્મમા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ ઉપર કળશ ઢોળાય એવી સંભાવના છે.કમલેશ પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ખાસ વિશ્વાસુ મનાઈ રહયા છે.આ ઉપરાંત પાલડી વોર્ડના જૈનિક વકીલ, પરેશ લાખાણી,નિકોલ વોર્ડના નામ ચર્ચામા છે.પક્ષનેતા તરીકે પરેશ પટેલ,વસ્ત્રાલ અને જશુભાઈ ઠાકોર,શાહીબાગ વોર્ડના નામ રેસમાં છે. દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાનુ નામ ચાલી રહયુ છે.