Gujarat

નર્મદા કેનાલમાં રેસ્ક્યુ કરીને કાર અને મૃતકચાલકને બહાર કઢાયો

By GS Team
17 Jan 20192 mins read
This article was originally published on 17 Jan 2019
નર્મદા કેનાલમાં રેસ્ક્યુ કરીને કાર અને મૃતકચાલકને બહાર કઢાયો

પાટણ, તા. 16 જાન્યુઆરી 2019, બુધવાર

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુરેજા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગતરોજ એક કાર ખાબકી હતી. તંત્ર દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ ન મળી આવતા અમદાવાદ ફાયરબ્રિગેડને બોલાવાયું હતું. જે અંધારું થઈ જતાં બુધવારની સવારે શોધખોળ શરૃ કરતાં 24 કલાક બાદ કારનો પત્તો લાગ્યો હતો. જેમાં કાર ચાલક રવિન્દા ગામનો હોવાનું ખુલ્યું હતું. તેની ડેડ બોડીને હારીજ પીએચસીમાં પીએમ માટે મોકલી આપતા પરિવારજનોમાં ગમગીનીના દ્રશ્યો છવાયા હતા.

સમગ્ર બનાવનો ઘટનાક્રમ જોઈએ તો પાટણ, હારીજ હાઈવે રોડ પર કુરેજા ગામ પાસે નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. આ કેનાલ અંદાજે 40 ફૂટ ઉંડી છે અને કેનાલમાં પાણી વહી રહ્યા છે ત્યારે મંગળવારની સવારના દસેક વાગ્યાની આસપાસ પાટણ તરફથી એક અલ્ટો ગાડી પુરઝડપે આવી રહી હતી અને કોઈ કારણસર આ ગાડી હવામાં ફંગોળાઈને સીધી કેનાલમાં ખાબકી હતી. આ ઘટના બની ત્યારે પ્રત્યક્ષદર્શી તેમજ સામા કાંઠા પર કપડા ધોઈ રહેલી બે મહિલાઓ સિવાય કોઈ જ માનવા તૈયાર ન હતું.

કારણ કે પ્રથમ નજરે એવા કોઈ જ નિશાન નથી મળ્યા કે કાર કેનાલમાં ખાબકી હોય છતાં રાધનપુરના પ્રાન્ત ઓફિસર ગીલ્વા, હારીજ મામલતદાર, 108 ટીમ, હારીજ, પાટણ ફાયર ફાયટર ટીમ, હારીજ અડીયા સરકારી દવાખાનાના ડોક્ટર સહિત સમગ્ર ગ્રામજનો ઘટનાસ્થળે હાજર હતા ત્યારે શોધખોળ શરૃ કરાઈ હતી. લગભગ સાત કલાક સુધી શોધખોળ કરવા છતાં સફળ નહીં થતા આખરે અમદાવાદની  ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમને જાણ કરાઈ હતી અને લગભગ સાંજના 4 વાગે ટીમે કામગીરી શરૃ કરી હતી અને બે કલાકની ભારે શોધખોળ છતાં સફળતા નહીં મળતા અને અંધારું થતાં કામગીરી સ્થગિત રાઈ હતી અને બુધવારના દિવસે સવારે ફરી એકવાર કામગીરીનો પ્રારંભ થયો હતો.

લગભગ 11.45 વાગ્યા આસપાસ આખરે રેસ્ક્યુ ટીમને સફળતા મળી અને કાર તેમજ કારમાં સવાર યુવાન મળી આવ્યો હતો. આમ આખરે આ ઘટના સાચી સાબિત થઈ હતી. નોંધનીય છે કે બરાબર બે વર્ષ પહેલા અહીં આવી જ ઘટના ઘટી હતી. જેમાં સુરેન્દ્રનગરનો એક પરિવાર મોતને ભેટયો હતો.