Get The App

માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે

બાબરને ત્રણ વખત જેલ મેન્યુઅલ મુજબ સજા : જેલ ટ્રાન્સફર કરવા માટે જેલ અધિક્ષક દ્વારા અરજી કરાઇ

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
માથાભારે બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધમકાવે છે 1 - image

વડોદરા, ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી હત્યામાં સામેલ માથાભારે આરોપી બાબર પઠાણ જેલમાં ગેંગ બનાવી અન્ય કેદીઓને ધાક ધમકી આપી શાંતિ ડહોળવાની કોશિશ કરતો હોવાની વાત ધ્યાને આવતા તેની જેલ બદલી માટે જેલ અધિક્ષક દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. 

નવેમ્બર - ૨૦૨૪માં વડોદરાના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં  અગાઉના ઝઘડાની અદાવત રાખી સયાજી હોસ્પિટલમાં મોડીરાતે એક વાગ્યે ખૂની ખેલ ખેલાયો હતો. સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે માથાભારે  તત્વોએ ભાજપના  પૂર્વ કોર્પોરેટર  રમેશભાઇના  પુત્ર તપન પરમાર પર પોલીસની હાજરીમાં જ તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ કરપીણ હત્યા કરી હતી. તપન પર માથાભારે તત્વોએ હુમલો કરતા તે  બચવા માટે  દોડયો  હતો પરંતુ,  આરોપીઓએ પીછો કરી ફરીથી તેના પર હુમલો કરી રહેસી નાંખ્યો હતો. આ ગુનામાં પકડાયેલા માથાભારે બાબર હબીબખાન પઠાણ (રહે. નાગરવાડા સ્કૂલ - ૧૦ ની પાછળ, ભાથુજી મંદિર પાસે, કારેલીબાગ) તા. ૨૨ - ૧૧ - ૨૦૨૪ થી વડોદરા જેલમાં છે. જેલમાં અશાંતિ ફેલાવતા બાબર પઠાણની કરતૂતોના કારણે તેની સામે જેલમંા ત્રણ વખત ખટલા ચલાવવામાં આવ્યા હતા.

જેલ અધિક્ષકે કોર્ટમાં  કરેલી અરજીમાં વધુમાં  જણાવ્યું છે કે, બાબર પઠાણ વડોદરાનો સ્થાનિક રહેવાસી હોઇ તેઓના મળતિયાઓને સાથે રાખી ગેંગ બનાવી ગુનો આચરવાની ટેવવાળો છે. અવાર - નવાર યાર્ડમાં રાખવામાં આવતા કેદીઓ સાથે ઝઘડા કરે છે. જેલ અધિકારીને એવી પણ માહિતી મળી હતી કે, આરોપી કોમીનલ વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરે છે. જેથી, તેને વડોદરાની જેલથી ટ્રાન્સફર કરી ભૂજની પાલારા ખાસ જેલ, પોરબંદર ખાસ જેલ  અથવા રાજકોટ મધ્યસ્થ જેલમાં ખસેડવા માટે મંજૂરી માગવામાં આવી છે.  સરકાર તરફે વકીલ નીતિન ભાવસારે અરજી મંજૂર કરવા રજૂઆત કરી હતી. આ અરજી અંગે વધુ સુનાવણી આગામી ૨ જી તારીખે  હાથ ધરવામાં આવશે.