Get The App

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે 1 - image

ડિજિટલ યુગમાં ભવાઈના ભુંગળ શાંત પડયા

૧૪મી સદીથી ચાલતી અસાઈત ઠાકરની વિરાસતને બચાવવા ઝાલાવાડના કલાકારોની મથામણ

સરકારી યોજનાઓના પ્રચારમાં ભવાઈ કલાકારોને સ્થાન આપી પ્રોત્સાહન આપવા માંગ

સુરેન્દ્રનગર૨૭ માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં મનોરંજનના સાધનો આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, પરંતુ એક સમય હતો જ્યારે ભવાઈ લોકશિક્ષણ અને મનોરંજનનું મુખ્ય માધ્યમ હતું. ગુજરાતની પરંપરાગત ગણાતી આ ભવાઈ કળા હાલ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલાક મંડળો આ વારસાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય ગ્રાન્ટ અને પ્રોત્સાહન મળે તેવી આશા સેવાઈ રહી છે.

આજના આધુનિક યુગમાં ૨૭મી માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે લોકનાટયની માતા ગણાતી 'ભવાઈ' કળાના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ૧૪મી સદીમાં અસાઈત ઠાકર દ્વારા શરૃ કરાયેલી આ પરંપરામાં ૩૬૦ વેશો દ્વારા સમાજ જાગૃતિનું કામ કરવામાં આવતું હતું. જે જમાનામાં ટીવી કે સિનેમા નહોતા, ત્યારે ભવાઈ જ ગામડાના લોકો માટે જ્ઞાાન અને મનોરંજનનું એકમાત્ર સાધન હતું.

ભવાઈમાં ભુંગળ, તબલા અને મંજીરાના તાલ સાથે કલાકારો માઈક વગર બુલંદ અવાજે રાતભર વેશ ભજવતા હતા. આ કળાએ આઝાદીની ચળવળ અને સામાજિક કુરિવાજો દૂર કરવામાં મોટો ફાળો આપ્યો છે. જોકે, ડિજિટલ ક્રાંતિના કારણે હવે ભવાઈના ભુંગળ ધીમે ધીમે શાંત થઈ રહ્યા છે, જેના કારણે આ કળા સાથે જોડાયેલા અદના કલાકારોની રોજીરોટી પર પણ સંકટ આવ્યું છે. ઝાલાવાડના કલાકારો આજે પણ આ ભવ્ય વિરાસતને ટકાવી રાખવા અથાગ મહેનત કરી રહ્યા છે.

કલાકારોની માંગ છે કે રાજ્યના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ભવાઈને સંરક્ષિત લોકકલા જાહેર કરવામાં આવે. સરકારના વિવિધ જનજાગૃતિ અભિયાનો જેવા કે સ્વચ્છતા મિશન, બેટી બચાવો, સાક્ષરતા અભિયાન અને અંધશ્રદ્ધા નિવારણ જેવા કાર્યક્રમોમાં જો પ્રોફેશનલ એજન્સીઓના બદલે ભવાઈના કલાકારોનો ઉપયોગ કરવામાં આવે, તો આ કળાને આથક ટેકો મળી શકે છે. જો યોગ્ય ગ્રાન્ટ, પ્રશિક્ષણ અને રાષ્ટ્રીય સ્તરે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો જ ગુજરાતની આ ગૌરવશાળી પરંપરા આગામી પેઢી સુધી જીવંત રહી શકશે.