Gujarat

શિક્ષણનગરી વિદ્યાનગરના 75મા સ્થાપના દિનની શાળા અને કોલેજમાં ઉજવણી કરાઈ

By GS Team
26 Feb 20202 mins read
This article was originally published on 26 Feb 2020
શિક્ષણનગરી વિદ્યાનગરના 75મા સ્થાપના દિનની શાળા અને કોલેજમાં ઉજવણી કરાઈ

આણંદ, તા. 03 માર્ચ 2020, મંગળવાર

પૂ.ભાઈકાકા અને પૂ.ભીખાભાઈની બેલડીની દુરંદેશી દ્રષ્ટિનું બીજ વલ્લભવિદ્યાનગર આજે ગુજરાતની શિક્ષણનગરી તરીકે વટવૃક્ષ બનીને પાંગર્યું છે ત્યારે વલ્લભવિદ્યાનગરના સ્થાપના દિન નિમિત્તે વિદ્યાનગર વાસીઓએ પૂ.ભાઈકાકા અને ભીખાભાઈના શિક્ષણનગરીની સ્થાપના માટે અને તેના વિકાસ માટેના યોગદાનને યાદ કર્યું હતું. ગુજરાતના સૌથી વિશાળ શિક્ષણ સંકુલ ચારુતર વિદ્યામંડળ સહિત વિદ્યાનગરની તમામ શાળા-કોલેજોમાં વિદ્યાનગરના ૭૫માં સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

આણંદ પાસેની વેરાન ધરતી પર સરદાર પટેલ સાહેબની પ્રેરણાથી પૂ.ભાઈકાકા અને ભીખાભાઈએ ધરતીના મધ્યભાગમાં આવેલ એક વિશાળ આમ્રવૃક્ષ નીચે બેસીને ૩ માર્ચ, ૧૯૪૬ના દિવસે પ્રથમ ઈંટ મુકીને શિક્ષણનગરી વિદ્યાનગરનો પાયો નાખ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસને વિદ્યાનગર સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

આશરે સાત દાયકા પૂર્વે આ ઉજ્જડ અને વેરાન ગૌચર સીમ વિસ્તારમાં ગોપાલકો પશુઓના ધણ ચરાવવા આવતા હતા અને ધોળા દિવસે પણ અહીંયા ચોરી, લૂંટ-ફાટ થતી હતી. આ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ, શ્રમ અને રોજગારીનું સર્જન થાય તે ઉદ્દેશ્યથી પૂ.ભાઈકાકા અને ભીખાભાઈની બેલડીએ જમીન એકત્ર કરવાની શરૂ કરી કરમસદ, બાકરોલ, આણંદ અને મોગરી વચ્ચે કાચી ઝુપડી બાંધી વલ્લભવિદ્યાનગરની શરૂઆત કરી હતી. તા.૩ માર્ચ, ૧૯૪૬ના દિવસે આમ્રવૃક્ષ નીચે શિક્ષણનગરીની પ્રથમ ઈંટ મુકાઈ હતી. જ્યાં હાલ ચારુતર વિદ્યામંડળનું કાર્યાલય છે.

તા.૩ માર્ચ, ૨૦૨૦ને મંગળવારના રોજ શિક્ષણનગરી વિદ્યાનગરના ૭૫મા સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિદ્યાનગરની વિવિધ શાળા-કોલેજોમાં ખાસ પરિસંવાદો તેમજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે વિદ્યાનગરના ભાઈકાકા સર્કલ વિસ્તારમાં આવેલ પૂજ્ય ભાઈકાકા સ્મારક ખાતે ભાઈકાકાની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત પૂ.ભાઈકાકાની સમાધિને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી શિક્ષણનગરની ભેટ આપવા બદલ તેઓને યાદ કરવામાં આવ્યા હતા. વિદ્યાનગર સ્થિત ગુજરાતના વિશાળ શૈક્ષણિક સંકુલ ચારુતર વિદ્યા મંડળ દ્વારા મંગળવારના રોજ વિદ્યાનગરના ૭૫માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે આમ્રવૃક્ષ નીચે પાયાની પ્રથમ ઈંટ મુકાઈ હતી તે બ્રહ્માજીની પ્રતિમા પાસે આમંત્રિત મહેમાનો, અગ્રણીઓની હાજરીમાં વિદ્યાનગર ડેની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.