Get The App

દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વાવ-થરાદમાં ટોઇંગ ક્રેનના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો 17 લાખનો જથ્થો, પોલીસ પણ સ્તબ્ધ

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વાવ-થરાદમાં ટોઇંગ ક્રેનના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો 17 લાખનો જથ્થો, પોલીસ પણ સ્તબ્ધ 1 - image

Vav Tharad LCB Police Raid: બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ પોલીસને દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે એક મોટી સફળતા મળી છે. બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અજમાવવામાં આવેલી એક અત્યંત ચાલાકીપૂર્વકની કીમિયો પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. થરાદ એલ.સી.બી. (LCB) સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ટોઇંગ ક્રેનને રોકીને તેની તલાશી લેતા, તેમાંથી બનાવેલા ખાસ ગુપ્ત ચોર ખાનામાંથી 16.86 લાખ રૂપિયાની કુલ કિંમતનો વિદેશી દારૂ અને ક્રેન સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ મામલે હરિયાણાના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પેટ્રોલિંગ દરમિયાન મેઘપુરા ગામની સીમમાંથી ઝડપાઈ ક્રેન

વાવ-થરાદનો એલ.સી.બી. સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ શોધવા અને ગુનેગારો પર નજર રાખવા માટે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક વાહનમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે બેવટાથી રાહ તરફ જતા રોડ ઉપર મેઘપુરા ગામની સીમમાં નાકાબંધી કરીને એક શંકાસ્પદ ટોઇંગ ક્રેનને રોકી હતી.

ક્રેનની અંદર બનાવેલું હતું ચોર ખાનું

પોલીસે જ્યારે ટોઇંગ ક્રેનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે ક્રેનની અંદર ચાલાકીપૂર્વક બનાવવામાં આવેલું એક ગુપ્ત ચોર ખાનું મળી આવ્યું હતું. આ ખાનાને ખોલતા જ પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો : છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં 'સફેદ રેતીના કાળા કારોબાર' પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, રૂ. 13.32 કરોડનો દંડ

શું જપ્ત કરાયું?

વિદેશી દારૂની બોટલો: 1,560 નંગ (કિંમત 9,86,240 રૂપિયા)

ટોઇંગ ક્રેન (ખોટી નંબર પ્લેટવાળી): 1 નંગ (કિંમત 7,00,000 રૂપિયા)

કુલ મુદ્દામાલ: 16,86,240 રૂપિયા

હરિયાણાના ચાલકની થઈ ધરપકડ

પોલીસે ઘટનાસ્થળેથી ક્રેન ચલાવતા આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નવીન સુભાષ રણબીર અહલાવતની(ઉ.વ 33) અટકાયત કરી લીધી છે. તે મુળ ડીગલ, તા. બેરી, જિ. ઝજ્જર, હરિયાણાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 

દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વાવ-થરાદમાં ટોઇંગ ક્રેનના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો 17 લાખનો જથ્થો, પોલીસ પણ સ્તબ્ધ 2 - image

પ્રોહિબિશન એક્ટ અને BNS હેઠળ ગુનો દાખલ

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બુટલેગરોએ પોલીસને છેતરવા માટે ક્રેન પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી. પકડાયેલા ચાલક નવીન તેમજ દારૂનો આ જથ્થો મોકલનાર અન્ય અજાણ્યા ઇસમ વિરૂદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.