Get The App

"પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!" : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
"પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!" : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ 1 - image

Basic Amenities Issues In Tharad: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પરંતુ થરાદ નગરપાલિકાના સાતેય વોર્ડના રહીશો આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોવા છતાં શહેરને આધુનિક વિકાસ તરફ લઈ જવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા અત્યંત વરવી જોવા મળી રહી છે. 

થરાદમાં સાતેય વોર્ડમાં સમાન સમસ્યા અને તંત્રની ઘોર ઉદાસીનતા જોવા મળી રહી છે, ત્યારે જનતા ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. 

મુખ્ય સમસ્યાઓ 

▪️ ઉભરાતી ગટરોને કારણે માર્ગો પર ગંદા પાણી ફરી વળતા રોગચાળાનો ભય 

▪️ અનેક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળવું દુર્લભ 

▪️ બિસ્માર રસ્તાથી સ્થાનિકોને હાલાકી, યોગ્ય રસ્તાઓના અભાવે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન

▪️ અનિયમિત વીજ પુરવઠાને કારણે જનજીવન ખોરવાયું

▪️ વોર્ડ નંબર 4ની હાલત અતિ દયનીય. આ વોર્ડમાં વસતા વાલ્મિકી સમાજના લોકોની સ્થિતિ અત્યંત ગંભીર અને આ વિસ્તારમાં વિકાસના નામે મીંડુ હોય તેવું જણાઈ રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, 'નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી વીજળીની કનેક્ટિવિટી અને પાકા રોડ-રસ્તાઓનો અભાવ. સરકારની મકાન સહાય યોજનાઓનો લાભ પણ આ ગરીબ પરિવારો સુધી પહોંચ્યો નથી.' 

આ પણ વાંચો: ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન

ચૂંટણી ટાણે મોટા વાયદા કર્યા બાદ ગાયબ થતાં નેતાઓ સામે સ્થાનિકોમાં રોષ

ચૂંટણી ટાણે મોટા વાયદા કર્યા બાદ ગાયબ થતાં નેતાઓ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, 'ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા માટે વચનોની લ્હાણી કરે છે, પરંતુ જીત્યા પછી આ વિસ્તારોની મુલાકાત લેવાની પણ તસ્દી લેતા નથી. સમસ્યાઓના નિરાકરણ માટે કોઈની પાસે સમય નથી. શું આને જ આધુનિક વિકાસ કહેવાય?'

આ પણ વાંચો: અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે જનતા જાગૃત બની છે અને વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નોને લઈને સત્તાધારી પક્ષ અને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. થરાદના સ્થાનિકો ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે.