Gujarat

કિશોરે તપેલીમાં સૂતળી બોમ્બ મૂકી ફોડતા નાક ફાડી નાંખ્યું

By GS TEAM
29 Oct 20251 min read
કિશોરે તપેલીમાં સૂતળી બોમ્બ મૂકી ફોડતા નાક ફાડી નાંખ્યું

વડોદરા, તા.29 તપેલીમાં મૂકીને સૂતળીબોંબ ફોડતા તપેલીનો ધારદાર ટૂકડો ઉડીને કિશોરના નાકમાં ઘૂસીને સીધો આંખ સુધી પહોંચી ગયો હતો. સદનસીબે કિશોરની આંખ બચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરામાં રહેતો ૧૫ વર્ષનો એક કિશોર તા.૨૮ના રોજ સાંજે પોતાના ઘર આંગણે ફટાકડા ફોડતો હતો. દરમિયાન તેણે સૂતળી બોમ્બ એક સ્ટીલની તપેલીમાં મૂકી ફોડયો હતો જેના પગલે સ્ટીલના વાસણનો એક ધારદાર  ટૂકડો ઉડીને સીધો કિશોરના નાક અને આંખના ભાગમાં ઘૂસી ગયો હતો. આખું નાક છૂંદાઇ જતા તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો  હતો અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલના કાન,નાક અને ગળાંના વિભાગની ટીમે સિટિ સ્કેન કરાવી ટૂકડાની સ્થિતિ જાણી હતી. ટૂકડો નાકને ચીરીને સાયનસને નુકસાન પહોચાડી આંખ સુધી પહોચી ગયો હતો પરંતુ સદભાગ્યે આંખ બચી ગયી હતી. દરમિયાન રાત્રે જ ઓપરેશન કરીને સ્ટીલના વાસણનો ધારદાર ટૂકડો નાકમાંથી બહાર કાઢી બાળકનો જીવ બચાવાયો હતો.