શિક્ષણ સમિતિના 570 શિક્ષકોને બીએલઓની ફરજ સોંપાઈ, શિક્ષણ પર ગંભીર અસર

વડોદરાઃ વડોદરા સહિત રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી શરુ કરવામાં આવી છે અને તેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના ૧૨૦૦ શિક્ષકો પૈકી ૫૭૦ શિક્ષકોને બીએલઓ( બૂથ લેવલ ઓફિસર)ની અને સુપરવાઈઝરની કામગીરી સોંપવામાં આવી છે.જેના કારણે હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડશે.
મતદાર યાદી સુધારણાની કામગીરી તા.૨ ફેબુ્રઆરી સુધી ચાલવાની છે.અત્યારે બૂથ લેવલ ઓફિસર તરીકે ઘરે ઘરે ફરીને સર્વે કરી રહ્યા છે.પ્રાથમિક શિક્ષકોના સંગઠનના આગેવાનના કહેવા અનુસાર આ કામગીરી સવારથી લઈને સાંજ સુધી ચાલતી હોય છે એટલે બાળકોને ભણાવવાનો સમય મળી શકે તેમ જ નથી.કેટલીક સ્કૂલોમાં તો ૮૦ ટકા તો કેટલીક સ્કૂલોના તો ૧૦૦ ટકા શિક્ષકોને બીએલઓ તરીકે કામગીરી આપવામાં આવી છે.આમ બાળકોને ભણાવશે કોણ તે એક સવાલ છે.
એપ્રિલ મહિનામાં સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાતી હોય છે ત્યારે તે પહેલા બીએલઓની કામગીરી કરનારા શિક્ષકો કોર્સ પૂરો નહીં કરી શકે તેવી પણ આશંકા છે.
ઈન્સ્પેક્શન અને રમતોત્સવનું આયોજન બોજ વધારશે
બીએલઓ તરીકેની કામગીરી તો ચાલુ જ છે અને હવે શિક્ષણ સમિતિ દ્વારા આગામી દિવસોમાં સ્કૂલોમાં ઈન્સ્પેક્શન કરવાનો તથા સ્કૂલોના બાળકના રમતોત્સવનું આયોજન કરવાનો નિર્ણય પણ આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.બીએલઓ તરીક ફરજ બજાવી રહેલા શિક્ષકો પર રમતોત્સવના આયોજનનો પણ બોજ આવશે.
શિક્ષકોને કામગીરી માટે નહીં મોકલાય તો રિપોર્ટ કરાશે
દરમિયાન અકોટા વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારીએ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર પાઠવીને કહ્યું છે કે, મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલુ છે ત્યારે બૂથ લેવલ ઓફિસરને કામગીરી માટે નથી મોકલવામાં આવતા તેવી ફરિયાદો સેકટર ઓફિસર દ્વારા મળી રહી છે.આ સંજોગોમાં જો કર્મચારીઓને મતદાર યાદીની કામગીરી કરતા અટકાવવામાં આવશે તો જિલ્લા ચૂંટણી અધિકારીને રિપોર્ટ કરવામાં આવશે.
બીએડ્ અને પીટીસીના વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા પર વિચારણા
શાસનાધિકારી વિપુલ ભરતીયાએ કહ્યું હતું કે, બીએલઓ તરીકે શિક્ષકોની કામગીરી ગણતરીના દિવસો માટે છે તેમજ મોટાભાગે શિક્ષકોને આ કામગીરી શાળાના સમય પછી કરવાની હોય છે.જો મતદાર યાદી સુધારણામાં શિક્ષકોને વધારે દિવસો ફરજ બજાવવાની થાય તો અમે બીએડ અને પીટીસીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે બોલાવવાની વૈકલ્પિક વ્યવસ્થા પર વિચારણા કરી રહ્યા છે.








