Gujarat

અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા

By GS TEAM
12 Oct 20252 mins read
અડાલજ પાસે ટેક્સી ચાલક પર ચાર શખ્સે હુમલો કરતા ગંભીર ઇજા

ધંધાકીય હરીફાઇની અદાવત રાખીને

દાદા ભગવાન રોડ નજીક બનેલા બનાવમાં આરોપીઓએ અમારી સામે પડયો તો મારી નાંખીશુ તેવી ધમકી પણ આપી

ગાંધીનગર : ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં દાદા ભગવાન રોડ નજીક ઓનલાઇન વર્ધી મળવાની રાહ જોતાં ઉભેલા ટેકસી ચાલક યુવાન પર ચાર શખ્સો લાકડીઓ લઇને તૂટી પડયા હતાં. ધંધાકીય હરીફાઇની અદાવતના કારણે બનેલા જણાતાં હુમલાના બનાવમાં આરોપીઓએ લાકડીઓ ફટકારીને યુવાનનું માથું ફોડી નાંખવા ઉપરાંત હાથની કોણીમાં ફ્રેક્ચર કરી નાંખ્યુ હતું. અડાલજ પોલીસે આ સંબંધે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અમદાવાદના સીંગરવા વિસ્તારમાં કઠવાડા રોડ પર સયાજી સમૃદ્ધિ ફ્લેટમાં રહેતા અને ઓનલાઇન કેબ સવસમાં ટેક્સી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા વિપુલ મેલાભાઇ પરમાર નામના યુવાને તેની પર થયેલા હુમલા સંબંધે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના એપાર્ટમેન્ટમાં જ રહેતા જીગર છગનભાઇ રબારી અને ત્રણ અજાણ્યા શખ્સોને દર્શાવ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિપુલ બપોર વેળાએ કેબ સવસની વર્ધી મળવાની રાહ જોતો હતો. દરમિયાન સિક્યુરીટી ગાર્ડે બહાર એક ભાઇ અડાલજ જવા માટે ટેક્સી શોધતા હોવાનું જણાવ્યુ હતું. તેની પાસે જઇને અડાલજ માટે ભાડુ બાંધ્યુ હતું અને અડાલજ નજીક જમિયાતપુરા પાસે મુસાફરને ઉતારીને બીજી વર્ધીની રાહ જોતાં દાદા ભાગવાન રોડ પાસે ઉભો હતો. ત્યારે બે અજાણ્યા શખ્સે આવી ક્યાંનો છે.

 પાટણના નાંણા ગામનો છે, તેમ પુછયુ ત્યારે હા પાડતાં જ બન્નેે હુમલો કરી દઇ ગાડીની ચાવી કાઢી લીધી હતી. દરમિયાન આરોપી જીગર રબારી સહિત બે શઅખસો આવ્યા હતાં. તેમણે પણ લાકડીથી માર માર્યો હતો. આરોપીએ અમારી સામે પડીશ તો મારી નાંખીશુ તેવી ધમકી આપીને પોતાની ગાડીમાં જતા રહ્યા હતાં. દરમિયાન ત્યાંથી નીકળેલા રાહદારીનો ફોન લઇને યુવકે તેના પિતાને જાણ કરી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.