Gujarat

પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા 12 શરણાર્થીઓને તંત્રની મદદ

By GS Team
21 Apr 20202 mins read
This article was originally published on 21 Apr 2020
પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા 12 શરણાર્થીઓને તંત્રની મદદ

પાલનપુર,થરાદ,તા.20 એપ્રિલ 2020, સોમવાર

પાકિસ્તાનથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૧૨ શરણાર્થી પરિવારોની આપવીતી સાંભળો તો આંખમાંથી આંસુ આવી જાય છે. પાકિસ્તાનમાં ભારતીયો ઉપર અનેક જુલમ થતા તેઓ બનાસકાંઠા આવી ગયા છે. કાંકરેજ તાલુકા તેરવાડા ગામમાં મુકેશજી અમરાજી માળીના ફાર્મ પર રહી ખેતીકામ અને શ્રમકાર્ય કરે છે. મુકેશ  માળી અને ગ્રામજનોએ આ શરણારઅથી પરિવારોને આશરો આપી રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી છે.

કોરોના વૈશ્વિક મહામારીના સંકટ વચ્ચે આ પરિવારોની મુશ્કેલીઓ વિશે બનાસકાંઠા કલેક્ટર સંદિપ સાંગલેને જાણકારી મળતા વહિવટીતંત્ર દ્વારા શક્ય તેટલી મદદ પુરી પાડવા અધિકારીઓને તરત સુચના આપી હતી. જેને પગલે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ કાંકરેજ તાલુકાના તેરવાડા મુકામે શરણાર્થી પરિવારો પાસે પહોંચીને રાહત કીટ વિતરણ કરી હતી. આ રાહત કીટમાં લોટ, ખાંડ, દાળ, ચોખા, તેલ સહિત કરીયાણાની વસ્તુઓનો સમાવેશ થાય છે. કલેક્ટર સંદીપ સાંગલેના આ એક વધુ સંવેદનશીલ અભિગમની બનાસવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે.

10 વર્ષની થાય એટલે દિકરીને વિકૃત માણસોથી બચાવવા પરણાવી દેવી પડતી 

પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા શરણાર્થી પરિવારોના વડીલ પ્રભુભાઈ ઠાકોરે જણાવ્યું કે અમે ઠાકોર પરિવારો પાકિસ્તાનના હૈદરાબાદ જિલ્લાના મતિયારી અને ટંડોલીયા ગામમાં રહેતા હતા. પાકિસ્તાનમાં અમારા પરિવારને રહેવું અને જીવવું બહુ મુશ્કેલ હતું. મજૂરી કરીએ તો મજુરીના રૃપિયાના બદલે માર પડતો. પ્રભુભાઈ ઠાકોરે કહ્યું કે પાકિસ્તાનમાં વસતા લઘુમતિઓની એવી માઠી દિશા છે કે અમારી દિકરી ૧૦ વર્ષની થાય ત્યારે તેને પરણાવી દેવી પડે નહીંતર ત્યાંના વિકૃત માણસો દિકરીને ઉઠાવી લઈ જાય. જે ઘરમાં બહેન-દિકરી હોય તે પરિવાર સતત ભય નીચે જ રહે છે.

બહેન-દિકરીની આબરૃ બચાવવા પહેરેલ કપડે નાસી આવ્યા: શરણાર્થી

શરણાર્થી મીરાબેન ઠાકોરે જણાવ્યું કે પાકિસ્તાનમાં અમે ઘણો ત્રાસ ભોગવ્યો છે. ત્યાં અમે મજૂરી જઈએ અને પૈસા માંગીએ તો પણ પૈસાના બદલે માર જ પડતો અને અમે ગરીબ હોવાથી કરી પણ શું શકીએ. મીરાબેને કહ્યું કે અમારી બહેન-દિકરીઓની આબરૃ અને પરિવારને બચાવવા અમે પહેરેલા કપડે પાકિસ્તાનથી ભારતમાં આવ્યા છીએ. તેમણે કહ્યું કે સરકાર અમને પુરતો સહયોગ આપી રહી છે જેનાથી અમારુ કલ્યાણ થશે.

6 દિકરીઓ લઈને ભારત આવી ગઈ છું, જમનાબેન

બીજા શરણાર્થી જમનાબેન ઠાકોરે કહ્યું કે મારે ૭ દિકરીઓ છે. જેમાંથી એકદિકરીને પરણાવી દીધી છે. તે પાકિસ્તાનમાં છે અને હું ૬ દિકરીઓને લઈ ભારત માતાના શરણમાં આવી છું. મને વિશ્વાસ છે કે ભારતમાં અમને કોઈ તકલીફ નહી પડે.

વ્યથા જાણી અધિકારીઓએ પોતાના પોકેટમાંથી પૈસા આપ્યા

પાકિસ્તાનમાં ત્રાસ અને અત્યાચાર વેઠીને ભારતમાં આવેલ શરણાર્થી પરિવારોએ પાકિસ્તાનમાં જે સ્થિતિ હતી તેનું વર્ણન કરતા રડી પડયા હતા. તેઓની આપવીતી સાંભળી રાહત કીટ વિતરણ માટે ગયેલા બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી ચેતન પટેલ અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મીત પરમારે પોતાના પોકેટમાંથી રૃ.૬૦૦૦ કાઢી ૧૨ શરણાર્થી પરિવારોને આર્થિક મદદ કરી હતી અને ગમગીન થઈ ગયા હતા.