Get The App

તમિલનાડુમાં વિજય CM બને તે માટે યુવાને રાખી હતી માનતા, સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ નીકળ્યો

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં વિજય CM બને તે માટે યુવાને રાખી હતી માનતા, સાયકલ પર 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ નીકળ્યો 1 - image


Thalapathy Vijay Fan Cycle Yatra: શ્રદ્ધા અને આસ્થા માણસ પાસે ગમે તેવા અઘરા કાર્યો કરાવી લેતી હોય છે. તમિલનાડુના રિંકિડેશન નામના યુવાને પોતાના મનગમતા નેતા માટે રાખેલી માનતા પૂરી કરવા માટે સાયકલ પર ભારત ભ્રમણ શરૂ કર્યું છે. તમિલનાડુના જાણીતા અભિનેતા અને રાજનેતા સી. જોસેફ વિજય (વિજય થલાપતિ) રાજ્યના મુખ્યમંત્રી બને તે માટે આ યુવાને ભોલેનાથની માનતા રાખી હતી, જે પૂરી થતાં જ તેણે બાર જ્યોતિર્લિંગ અને ચારધામની સાયકલ યાત્રા શરૂ કરી દીધી છે.

સાયકલ પર બગોદરા પહોંચ્યો યુવાન

મળતી માહિતી અનુસાર, તમિલનાડુના રિંકિડેશને પોતાના રાજ્યથી સાયકલ પર સવાર થઈને આ આકરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સતત પેડલ મારીને સખત પરિશ્રમ સાથે તે હાલમાં જ અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે આવી પહોંચ્યો હતો. રિંકિડેશનની આ અનોખી ભક્તિ અને સાયકલ યાત્રા સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ અને કૌતુકનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર 'ડીઝલ નથી' ના પાટિયા લાગ્યા

ગુજરાતના ધાર્મિક સ્થળોના દર્શન કરી કેદારનાથ તરફ પ્રયાણ

પોતાની આ ધાર્મિક યાત્રા અંતર્ગત રિંકિડેશન સુપ્રસિદ્ધ તીર્થધામોની મુલાકાત લઈ ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા, જ્યોતિર્લિંગ નાગેશ્વર અને શક્તિપીઠ ચોટીલાના ભક્તિભાવપૂર્વક દર્શન કરી લીધા છે. આ પાવન ભૂમિ પરથી પસાર થઈને, હવે આ યુવાન હિમાલયના ખોળામાં બિરાજતા ભગવાન શિવના ધામ કેદારનાથ તરફ આગળ વધી રહ્યો છે.

તમિલનાડુની રાજનીતિમાં આવેલા પરિવર્તનની ખુશીમાં, ભગવાન ભોલેનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે આ યુવાન હજારો કિલોમીટરનું અંતર સાયકલ પર કાપીને દેશના ખૂણે-ખૂણે આવેલા જ્યોતિર્લિંગ અને ચારધામના આશીર્વાદ મેળવવા મક્કમતાથી આગળ વધી રહ્યો છે.