Gujarat

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું

By GS TEAM
6 Mar 20261 min read
TukuTouch Logo
આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ દરમિયાન બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા બીસીસીઆઈને સહયોગ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા ખાસ ટર્ફ મેનેજમેન્ટ મશીન ટોરો મલ્ટી પ્રો 1750 ટર્ફ સ્પ્રેયર માટે તાત્કાલિક મદદ માંગવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું

Baroda Cricket Association : આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ દરમિયાન બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા બીસીસીઆઈને સહયોગ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા ખાસ ટર્ફ મેનેજમેન્ટ મશીન ટોરો મલ્ટી પ્રો 1750 ટર્ફ સ્પ્રેયર માટે તાત્કાલિક મદદ માંગવામાં આવી હતી. બીસીએની મંજૂરી બાદ તરત જ મશીનને તાલીમબદ્ધ ઓપરેટર સાથે મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી.

આ ટોરો મલ્ટી પ્રો 1750 મશીન ક્રિકેટ ગ્રાઉન્ડ અને અન્ય રમતગમતના મેદાનોમાં ટર્ફ સંભાળ માટે ઉપયોગમાં લેવાતું વ્યાવસાયિક સાધન છે. તેમાં 175 ગેલન (લગભગ 662 લિટર) ક્ષમતા ધરાવતી ટાંકી અને બૂમ સ્પ્રે સિસ્ટમ હોવાથી ખાતર, કીટનાશક, ફંગિસાઈડ તેમજ એન્ટી-ડ્યૂ સોલ્યુશન સમાન રીતે મેદાનમાં છાંટવામાં મદદ મળે છે.

વડોદરાથી મોકલાયેલું આ મશીન મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમ ખાતે પહોંચ્યું હતું. મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી ટી-20 વર્લ્ડ કપ સેમિફાઈનલ માટે મેદાનની તૈયારીમાં તેનો ઉપયોગ કરાયો હતો.

બરોડા ક્રિકેટ એસોસિએશન પાસે હાલમાં બે ટોરો મલ્ટી પ્રો મશીનો ઉપલબ્ધ છે, જે સુવિધા દેશની માત્ર બીજી એક ક્રિકેટ એસોસિએશન પાસે જ છે. આ બીસીએની વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટર્ફ મેનેજમેન્ટ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

હવે આ મશીન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોકલવામાં આવશે, જ્યાં 8 માર્ચે યોજાનારી ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ માટે મેદાનની તૈયારીમાં તેનો ઉપયોગ કરાશે.