- મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ મળશે, વિવિધ લાભો મળશે
- દેશના 27 રાજ્યોમાં પસંદ કરાયેલા 157 શહેરો પૈકી ગુજરાતના માત્ર 5 શહેરોમાં નડિયા ને સ્થાન મળ્યું
નડિયાદ : નડિયાદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જમીન અને મિલકતના હક્કોને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારના 'નકશા' પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવનાર છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મેન પાવર, ટીમ ફોર્મેશન અને વિભાગીય સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નડિયાદ મહાનગરપાલિકા હેઠળના અંદાજે ૭૯.૯૭ વર્ગ કિલોમીટર વિસ્તારને આ પ્રોજેક્ટમાં આવરી લેવાયો છે. જેમાં નડિયાદ શહેર ઉપરાંત ઉત્તરસંડા, ડુમરાલ, બિલોદરા, ડભાણ, ટુંડેલ, પીપલગ, મંજીપુરા, ફતેપુરા અને કમળા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા આ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને હાઈ-રિઝોલ્યુશન ઈમેજ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ સિટી સર્વે ઓફિસ અને મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા ગ્રાઉન્ડ ટુથિંગની કામગીરી હાથ ધરાશે, જેમાં સ્થળ પર જઈને મિલકતની માપણી અને પુરાવાઓની ખરાઈ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ અપાશે, જેનો ઉપયોગ બેંક લોન મેળવવા તેમજ વેચાણ, વારસાઈ અને બક્ષિસ જેવા વ્યવહારો માટે કરી શકાશે.
નકશા' પ્રોજેક્ટના સફળ સંચાલન માટે કેન્દ્ર સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા સર્વે ઓફ ઈન્ડિયા અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર સઁવસીઝ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત એમ.પી. સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પાંચ નેશનલ સેન્ટર ઓફ એક્સલેન્સ આ ડિજિટલ ડેટા તૈયાર કરવામાં સહયોગી બનશે. સમગ્ર દેશના ૨૭ રાજ્યોમાં પસંદ કરાયેલા ૧૫૭ શહેરો પૈકી ગુજરાતના માત્ર ૫ શહેરોમાં નડિયાદને સ્થાન મળ્યું છે, જે શહેરના આયોજન માટે ગૌરવની બાબત છે.
વાંધા અરજી અને સુનાવણીની જોગવાઈ
સર્વેની પ્રાથમિક કામગીરી બાદ દરેક મિલકતધારકને પુરાવા રજૂ કરવા માટે નમૂના ૨ મુજબ નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ સિટી સર્વે કચેરી દ્વારા હક્કચોક્સીની તપાસ કરીને જે નિર્ણય લેવાય તેની જાણ મિલકતધારકોને નમૂના ૬ મુજબ કરાશે. જો કોઈ મિલકતધારકને આ નિર્ર્ણય સામે વાંધો હોય તો તેઓ ૩૦ દિવસની અંદર કચેરીમાં વાંધા અરજી રજૂ કરી શકશે. આ વાંધાઓની સુનાવણી બાદ જ આખરી રેકર્ડ તૈયાર કરી જાહેર જનતાની ચકાસણી માટે ખુલ્લું મૂકવામાં આવશે.


