સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા, પોલીસે માત્ર મુદ્દામાલ ઝડપ્યો, ખાણ માફિયાઓનો કોઈ પત્તો નહીં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Than Carbocell Well Illegal Mining: થાન તાલુકાના ભડુલા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે ગેરકાયદે ખનીજ સંપત્તિનું ખનન ઝડપી પાડયું છે. પોલીસે ગેરકાયદે કાર્બોસેલના કૂવાઓ પરથી 4 ટ્રેક્ટર, 4 ચરખી, 7 બાઈક સહિત લાખોનો મુદામાલ કબજે કર્યો છે.
રાત્રિના સમયે દરોડા
થાન તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈને થાન પોલીસ ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે થાન તાલુકાના ભડુલા વિસ્તારમાં રાત્રિના સમયે દરોડા કરતા ગેરકાયદે કોલસાનું ખનન અને કાર્બોસેલના કૂવાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
સાધનો ઝડપ્યા, આરોપીઓ ક્યાં?
પોલીસે સ્થળ પરથી 04 ટ્રેક્ટર, 04 ચરખી, 07 બાઈક સહિત અંદાજે લાખોનો મુદામાલ કબજે કર્યો હતો તેમજ અંદાજે 04 ડમ્પર જેટલો કોલસાનો જથ્થો પણ ઝડપી પાડયો હતો. થાન પોલીસ દ્વારા કબજે કરાયેલ તમામ મુદ્દામાલ થાન મામલતદાર કચેરીને સોંપી ગેરકાયદે ખનન કરનાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અડધી રાત્રે દરોડા પાડયા હોવા છતાં પણ કોઈ આરોપીની ધરપકડ કરાઇ નથી ફક્ત સાધનો જપ્ત કરી મીઠો ઓડકાર પોલીસ તંત્રએ ખાઈ લીધો છે. સમગ્ર કામગીરીમાં થાન મહિલા પીઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
થાનમાં કાર્બોસેલ ભરપૂર
થાન તાલુકામાં મોટા પ્રમાણમાં કુદરતી રીતે કાર્બોસેલ ખનીજ સંપતિ છુપાયેલ છે પરંતુ ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે સ્થાનિક તંત્રની મીલીભગતથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.
કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી?
સ્થાનિક લોકો વખતોવખત આરોપ કરતાં આવ્યા છે કે થાન તાલુકામાં વર્ષોથી ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થઈ રહ્યુ છે છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કે ચેકિંગ કરવામાં આવતું નથી. પોલીસના હપ્તારાજના દાવા પણ અનેક વખત થઈ ચૂક્યા છે. ત્યારે હવે થયેલી કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી હોવાનું પણ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.









