Gujarat

સુરતના 6 વેપારી પાસેથી રૂ.40 લાખની સાડી ઉધારમાં ખરીદી સુરતના દલાલ કમ વેપારી અને પુણેના વેપારીએ ઉઠમણું કર્યું

By GS Team
17 Jan 20222 mins read
This article was originally published on 17 Jan 2022
સુરતના 6 વેપારી પાસેથી રૂ.40 લાખની સાડી ઉધારમાં ખરીદી સુરતના દલાલ કમ વેપારી અને પુણેના વેપારીએ ઉઠમણું કર્યું

- મિલેનિયમ માર્કેટ 2 ના વેપારી પાસેથી બંનેએ રૂ.10.65 લાખની સાડી ઉધારમાં ખરીદી પેમેન્ટ ચુકવવાને બદલે ધમકી આપી હતી

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, સોમવાર

સુરતના રીંગરોડ સ્થિત મિલેનિયમ માર્કેટ 2ના વેપારી અને બીજા પાંચ વેપારી પાસેથી કુલ રૂ.40 લાખની સાડી ઉધારમાં ખરીદી સુરતના દલાલ કમ વેપારી અને પુણેના વેપારીએ ઉઠમણું કરતા સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ સોમેશ્વર વ્હાઇટ લોટસ સ્કૂલની પાસે રાજ સિદ્ધિ એપાર્ટમેન્ટ એ/6/બી માં રહેતા 57 વર્ષીય રાજકુમાર સત્યનારાયણ અગ્રવાલ હાલ રીંગરોડ મિલેનિયમ માર્કેટ 2 દુકાન નં.627 માં જીનભવાની પ્રિન્ટસના નામે સાડીનો વેપાર કરે છે. એપ્રિલ 2021 પહેલા તે મિલેનિયમ માર્કેટ 2 માં જ દુકાન નં.535/બી માં વેપાર કરતા હતા ત્યારે રીંગરોડ જાપાન માર્કેટમાં જી.એસ.ટેક્ષટાઈલના નામે દલાલીનું અને તુલસી ટેક્ષટાઈલના નામે સાડીનો વેપાર કરતા સુરેન્દ્ર સુખરામ રાયકા તેમને દુકાને આવીને મળ્યા હતા. સુરેન્દ્ર રાયકાએ મીઠીમીઠી વાતો કરી સમયસર પેમેન્ટનો વાયદો કરી વેપાર શરૂ કરી શરૂઆતમાં પેમેન્ટ સમયસર આપ્યું હતું.

જોકે, 21 જાન્યુઆરીથી 16 જૂન 2021 દરમિયાન સુરેન્દ્ર રાયકાએ રાજકુમારભાઈ પાસેથી રૂ.2,55,919 ની સાડી ઉધારમાં ખરીદી હતી. તેમજ તેમની મારફતે મૂળ રાજસ્થાનના પાલીના અમરપુરાના વતની અને પુણેમાં સુનીતા ટેક્ષટાઈલના નામે સાડીનો વેપાર કરતા સુરેશ બાપુજી માલીને રૂ.8,09,364 ની સાડી ઉધારમાં આપી હતી. કુલ રૂ.10,65,283 ની બાકી ઉઘરાણી માટે બંનેએ શરૂઆતમાં વાયદા કર્યા બાદ રાજકુમારભાઈ સુરેન્દ્રની એજન્સી પર ઉઘરાણી માટે ગયા તો તેણે ગાળ ગલોચ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડા દિવસ બાદ રાજકુમારભાઈ ફરી ઉઘરાણી માટે ગયા ત્યારે જાણ થઈ હતી કે સુરેન્દ્ર અને સુરેશ બંને ઉઠમણું કરી ફરાર થઈ ગયા છે.

વધુ તપાસ કરતા રાજકુમારભાઈને જાણ થઈ હતી કે બંનેએ અન્ય પાંચ વેપારી પાસેથી પણ ઉધારમાં સાડી ખરીદી પેમેન્ટ કર્યું નથી. કુલ છ વેપારી સાથે રૂ.39,99,754 ની ઠગાઈ કરનાર બંને વિરુદ્ધ રાજકુમારભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.