Get The App

'આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..', સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્યાં

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
'આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..', સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્યાં 1 - image


Surat Rander Protest: સુરતમાં આગામી ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા લોકસંપર્ક અને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે, પરંતુ વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત જનતા હવે નેતાઓ સામે મેદાને આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રવિવારે (પાંચમી એપ્રિલ) જનસંપર્ક માટે નીકળેલા ભાજપના પૂર્વ શાસકોને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. 20 વર્ષથી વણઉકેલાયેલી પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોએ નેતાઓને 'શરમ કરો' કહીને ખખડાવ્યા હતા.

વર્ષો જૂની સમસ્યાએ સર્જ્યો હોબાળો

મળતી માહિતી અનુસાર,, મનપાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ અને તેમની પેનલના પૂર્વ કોર્પોરેટર કુણાલ સેલર રવિવારે રાંદેર ગામમાં લોકસંપર્ક માટે પહોંચ્યા હતા. નેતાઓ જેવા વિસ્તારમાં પ્રવેશ્યા કે તરત જ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પીવાના પાણીની દુર્ગંધયુક્ત સમસ્યા બાબતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ નેતાઓ સામે કાળા રંગના ગંદા પાણીથી ભરેલી ડોલ ધરી દીધી હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 20 વર્ષથી માત્ર નવી લાઈનો નાખવાની વાતો જ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં હજુ પણ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે. રોષે ભરાયેલા રહીશોએ જણાવ્યું હતું કે, 'આ ગંદા પાણીને કારણે ઘરમાં છોકરાઓ બીમાર પડી રહ્યા છે. હવે આ એરિયો વોટ માટે ભૂલી જજો..'

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

નેતાઓનો ઉધડો લેતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્થાનિકો નેતાઓને મોઢામોઢ પ્રશ્નો પૂછી રહ્યા છે અને નેતાઓ પાસે કોઈ સચોટ જવાબ નથી. ચૂંટણી ટાણે જ જનતાનો આવો મિજાજ જોઈને રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષોથી સત્તા ભોગવ્યા બાદ પણ જો પાયાની સુવિધાઓ ન મળે તો જનતા જનાર્દન હવે ચૂપ રહેવા તૈયાર નથી તે આ ઘટના પરથી સ્પષ્ટ જણાય છે.