વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વરિયાવમાં ખુલ્લી વરસાદી ગટરમાં પડી બે વર્ષના માસૂમ કેદાર જાધવનો જીવ ગયા બાદ સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના મોટા મોટા દાવા કર્યા હતા, પરંતુ દોઢ વર્ષમાં જ એ તમામ માત્ર થોડા સમય માટે જ હોવાનું પાલનપુર લેક ગાર્ડન સાબિત કરી રહ્યું છે. પાલનપોર લેક ગાર્ડન ફરતે દિવાલ બનાવવામાં આવી છે પરંતુ આ દિવાલમાં મોતનો દરવાજો જેવી મોટા ગાબડાના કારણે બની ગઈ છે. આ મોતનું ગાબડુ ચોમાસા પહેલાં જ નવી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું છે. રોજ બાળકો અને સ્થાનિકોની અવરજવર વચ્ચે પણ તંત્રની આંખ ખુલી રહી નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે વરિયાવ જેવી કરુણ ઘટના બાદ પણ મહાનગરપાલિકાએ કોઈ બોધપાઠ લીધો હોય તેવું દેખાતું નથી.
સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના દાવા વચ્ચે પાલનપુર લેક ગાર્ડનની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. તળાવની ફરતે બનાવવામાં આવેલી સુરક્ષા દિવાલમાં લાંબા સમયથી મોટું ગાબડું પડ્યું છે. સ્થિતિ એવી છે કે એક પુખ્ત વયનો વ્યક્તિ પણ સરળતાથી આ ગાબડા અંદર પ્રવેશી શકે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સ્થળ મુખ્ય માર્ગને અડીને આવેલું હોવાથી આસપાસના બાળકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોની અહીં સતત અવરજવર રહે છે.
હાલ તળાવમાં પાણી ઓછું છે, પરંતુ ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થિતિ વધુ જોખમી બની શકે છે. દિવાલમાં રહેલું આ ખુલ્લું ગાબડું કોઈ બાળક માટે સીધો મોતનો દરવાજો સાબિત થઈ શકે છે. જો રમતા રમતા કોઈ બાળક અથવા પશુ તળાવમાં પડી જાય તો વરિયાવ ડ્રેનેજ દુર્ઘટનાનું પુનરાવર્તન થવામાં સમય નહીં લાગે. સ્માર્ટ સિટીના દાવા કરતી સુરત પાલિકાના લેક ગાર્ડનની તૂટેલી દિવાલ રીપેર કરવાની ફુરસદ પાલિકા તંત્રને નથી જેના કારણે અમરોલી ડ્રેનેજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થવાની શક્યતા નકારી શકાતી નથી.
સૌથી મોટો સવાલ એ છે કે કેદાર જાધવના મોત પછી મહાનગરપાલિકાએ ખરેખર કોઈ બોધપાઠ લીધો હતો કે માત્ર થોડા દિવસો માટે દેખાવ પૂરતી ઝુંબેશ ચલાવી હતી? દુર્ઘટના બાદ અધિકારીઓના નિવેદનો, તપાસ સમિતિઓ અને જવાબદારી નક્કી કરવાની જાહેરાતો તો ઘણી થઈ, પરંતુ શહેરના જોખમી સ્થળોને કાયમી રીતે સુરક્ષિત બનાવવાની કામગીરી ફરી એકવાર કાગળો પૂરતી જ રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
હવે જોવાનું એ છે કે મહાનગરપાલિકા સમયસર જાગીને આ જીવલેણ ગાબડું પુરશે કે પછી કોઈ નિર્દોષનો ભોગ લીધા બાદ ફરી એકવાર તપાસ સમિતિ, જવાબદારી અને કાર્યવાહીનું નાટક શરૂ કરશે.









