Surat Municipal Corporation Elections: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ફરી એકવાર સુરત ભાજપનું સંગઠન નબળું સાબિત થતાં કેટલાક વિસ્તારોમાં ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. કોટ વિસ્તાર અને સૌરાષ્ટ્રીયન બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં સામાન્ય મતદારોની સાથે કાર્યકરોનો પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. શહેર સંગઠન આ વિરોધને શાંત કરવામાં કે 'ડેમેજ કંટ્રોલ' કરવામાં નિષ્ફળ રહેતા હવે સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓએ મોરચો સંભાળવો પડ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે સુરતમાં મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન કરવું પડ્યું છે.
ભાજપના ગઢમાં વિરોધના સૂર રેલાયા
સુરત પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પહેલીવાર આટલો પ્રબળ વિરોધ જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ શહેર ભાજપનું નબળું સંગઠન માનવામાં આવે છે. ભાજપના શાસનમાં જ હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. આ પરિસ્થિતિને સંભાળવામાં શહેર ભાજપ સંગઠન બિનઅનુભવી સાબિત થયું છે. કેટલાંક સ્થળોએ ભાજપના ઉમેદવારો અને નેતાઓને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે અને તેમને વિરોધ સાથે પાછા કાઢવામાં આવ્યા છે. આમ છતાં, શહેર સંગઠન વાસ્તવિક પરિસ્થિતિ સમજવાને બદલે AC ઓફિસમાં બેસીને આયોજનો કરી રહ્યું હોય તેવું જણાય છે.
સંગઠનની નિષ્ફળતા અને દિગ્ગજોની એન્ટ્રી
બિનઅનુભવી પ્રમુખ પરેશ પટેલ અને તેમની ટીમ નારાજ કાર્યકરો તથા મતદારોને મનાવવામાં નિષ્ફળ રહી છે. પરિણામે, હવે ધારાસભ્યોએ પોતે મેદાનમાં ઉતરીને પોતાના વિસ્તારમાં ઉમેદવારોને જીતાડવા માટે દોડધામ કરવી પડી રહી છે. આ વખતે સામાન્ય જનતાની સાથે ભાજપના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોનો મૂડ પણ બદલાયેલો જોવા મળી રહ્યો છે.
ડેમેજ કંટ્રોલ માટે નેતાઓની ફોજ ઉતરી
સંગઠનને 'કોર્પોરેટ કંપની'ની જેમ ચલાવવાની નીતિ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. આ ડેમેજ કંટ્રોલ માટે હવે સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને પ્રશાંત કોરાટ જેવા નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વધુમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો અને પાટીદાર વિસ્તારોમાં જાહેર સભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
હવે એ જોવાનું રહ્યું કે આ હસ્તક્ષેપથી નારાજગી કેટલી હદ સુધી દૂર થશે અને ભાજપ સુરતમાં પોતાની રાજકીય પકડ જાળવી શકશે કે નહીં તે 28 એપ્રિલે પરિણામ બાદ જ ખબર પડશે.


