Local Body Election: સ્થાનિક ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ધોમધખતા તાપની જેમ રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ એક સંબોધનમાં સાંસદ મનસુખ વસાવાનું નામ લઈને દાવો કર્યો હતો કે ભાજપના નિલભાઈ રાવે સાંસદને બેઠકમાં લાફો મારી દીધો છે. જેના જવાબમાં મનસુખ વસાવાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ કરી રહી છે, સામાન્ય બોલાચાલી થઈ હતી પણ મારામારી થઈ ન હતી.
'બદલો લેવાનો સમય આવી ગયો છે': વર્ષા વસાવા
ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે, 'આપણા ધારાસભ્ય (ચૈતર વસાવા) ચૂંટાયા પછી એક પણ દિવસ ઘરે રહ્યા નથી સતત પ્રજાની વચ્ચે રહે છે એટલે ભાજપ સરકારને આંખના કણાની જેમ ખૂંચે છે. એટલા માટે નાના નાના કેસ કરીને એમને જેલમાં મોકલે છે તે આપણા બધા જાણીએ છીએ. મંડાળા જિલ્લા પંચાયત ભૂલી નથી જવાનું જેને કેસ કર્યો છે તે જ આપણી સામે છે. માટે તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે. આપણે ગ્લાસ સાથે ટક્કર લેવાની છે. આ જ કેસના કારણે તેમણે તડીપાર કર્યા અને ડેડિયાપાડા આવવા નથી દેતા. એ બદલો આપણે લેવાનૉ જ છે. એટલે તમે સતત મહેનત કરો તેવી આશા રાખીએ છીએ.'
'વડીલ સાંસદે એવું તો શું કર્યું કે તેમણે લાફો ખાવો પડ્યો'
સાથે વર્ષા વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા કે 'આપણાં જે સાત ટર્મથી સાંસદ છે તેમણે કમલમમાં કોઈ માથાકૂટ થઈ છે નિલભાઈએ લાફો માર્યો તેવી વાત છે મને મીડિયાના માધ્યમથી આ વાતની ખબર પડી. તો મનુસખ વસાવા તમે ખુલાસો આપો કે તમે સાત ટર્મથી સાંસદ છો છતાં પણ તમારે લાફો ખાવો પડે, તેનો જવાબ આપો. વડીલ નેતા છતાં પણ લાફો ખાવો પડે તે શરમજનક વાત છે.'
પાર્ટી બેઠકમાં નાનો મોટો વાદ વિવાદ થયો હતો: મનસુખ વસાવા
સમગ્ર મામલે જ્યારે ભરુચના સાંસદ મનસુખ વસાવાને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, 'આમ આદમી પાર્ટીના નેતાઓએ જૂઠ્ઠાણું ચલાવવામાં હદ વટાવી દીધી છે. તેમની પાસે કોઈ એવા મુદ્દા નથી કે ભાજપ કે અમને દબાવી શકે કે બદનામ કરી શકે, જિલ્લાની મિટિંગ હતી ત્યારે મુખ્ય આગેવાનોની વચ્ચે નિલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ હતી. મેં એમને કહ્યું કે અમુક બેઠકો છે ત્યાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને સોશિયલ મીડિયા મજબૂત કરવાની ટકોર પણ કરી હતી. એટલે મેં મારા સ્વભાવ મુજબ વાત કરી હતી. કારણ કે માટે કામ બરાબર જોઈએ, ગુજરાતમાં ચૈતર વસાવા સામે મેં આક્રમક રીતે કામ કર્યું છે, એટલે મને જ ટાર્ગેટ કરે છે, હું સ્વીકાર્યું છું કે પાર્ટી બેઠકમાં નાનો મોટો વાદ વિવાદ થયો છે, એ ઘરની બાબત છે જેને આપ નેતાઓએ ખોટી રીતે ચગાયું છે.'
'વર્ષાબહેન બોલ્યા નથી તેમણે બોલાવવામાં આવ્યું'
સાંસદે વધુમાં ઉમેર્યું કે 'મારે નિલભાઈ રાવ સાથે કોઈ એવો ઝઘડો નથી થયો, કોઈ ગાળા ગાળી કે બોલાચાલી પણ થઈ નથી. એક એવો વીડિયો વાઈરલ કર્યો જેમાં બતાવે છે કે અમે મારામારી કરી તે ખોટો છે. વર્ષાબહેન બોલ્યા નથી તેમણે બોલાવવામાં આવ્યું છે, સુરતથી આ બધુ થયું છે, આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજકારણ કરી રહી છે. મને ખબર છે વર્ષાબહેન મને વડીલ માને છે તે આવું ન બોલે મારા માટે. મેં ચૈતર વસાવાને પણ એક વખત કહ્યું હતું કે દરેક વાતમાં મને કેમ ટાર્ગેટ કરવામાં આવે છેઃ ત્યારે તેને મને દિલથી કહ્યું હતું કે મારી ઇચ્છા ન હતી પણ પાર્ટીના દબાણના કારણે મારે બોલવું પડ્યું છે.'


