Get The App

સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે 'ક્રોસ વોટિંગ'ની ચર્ચા

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે 'ક્રોસ વોટિંગ'ની ચર્ચા 1 - image

Surat Municipal Corporation Election Results: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના રેકોર્ડબ્રેક વિજય માટે શહેર સંગઠન કરતાં ધારાસભ્યોના વ્યક્તિગત વિસ્તારના સંગઠનને વધુ શ્રેય આપવામાં આવી રહ્યો છે. ટિકિટ ફાળવણી દરમિયાન મોટાભાગના ધારાસભ્યોએ પોતાના માનીતા ઉમેદવારો માટે મજબૂત ભલામણ કરી હતી, જેને પગલે તેમની પસંદગીના ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન શહેર સંગઠનની સક્રિયતા ખાસ જોવા મળી ન હતી, પરંતુ ધારાસભ્યોએ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. આ જ મહેનતને પરિણામે, છેલ્લા 10 વર્ષથી જ્યાં ભાજપ હારતું હતું તે બેઠકો પર પણ ભગવો લહેરાયો છે.

જમીની સ્તરના કાર્યકરોને મહત્વ

વર્ષ 2015 અને ગત પાલિકાની ચૂંટણીમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો અને કતારગામમાં ભાજપની પેનલ તૂટી હતી અને આમ આદમી પાર્ટીને બેઠકો મળી હતી. જો કે આ વખતે ધારાસભ્યોએ ઉમેદવારોની પસંદગીમાં સીધો હસ્તક્ષેપ કરીને જમીની સ્તરના કાર્યકરોને મહત્વ અપાવ્યું હતું. પરિણામે, પાટીદાર વિસ્તારોમાં પણ ભાજપનું પલડું ભારે રહ્યું.

શહેર સંગઠનના નેતાઓ વધારે સક્રિય ન હતા!

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શહેર સંગઠનના નેતાઓ ફિલ્ડમાં ખાસ દેખાયા ન હોવાનો ગણગણાટ ખુદ પક્ષના નેતાઓ જ કરી રહ્યા છે. ખાસ કરીને પાટીદાર અને કતારગામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં શહેર સંગઠનની ગેરહાજરી વર્તાતી હતી. તેની સામે ધારાસભ્યોએ પોતાના વિસ્તારના કોર્પોરેટરોને જીતાડવા માટે સમાંતર સંગઠન ઊભું કરી પ્રચારની કમાન સંભાળી હતી. આ વ્યૂહનીતિ સફળ રહી અને પાટીદાર વિસ્તારની માત્ર ચાર બેઠકોને બાદ કરતાં તમામ પર ભાજપનો વિજય થયો. પક્ષમાં હવે એવી ચર્ચા છે કે આગામી સમયમાં ટિકિટ ફાળવણીની પેટર્નમાં મોટો બદલાવ આવી શકે છે.

વોર્ડ નંબર 12માં ભાજપની પેનલ તૂટવા પાછળ આંતરિક જૂથબંધી જવાબદાર?

સુરત પાલિકાના વોર્ડ નંબર 12માં ભાજપની પેનલ તૂટવા પાછળ ઉમેદવારની યોગ્યતા કરતાં પક્ષની આંતરિક જૂથબંધી મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. આ બેઠક ભાજપે 'ક્રોસ વોટિંગ'ને કારણે ગુમાવવી પડી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે, જેમાં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓની ભૂમિકા શંકાના દાયરામાં છે.

શહેર ભાજપના મહામંત્રીના વોર્ડમાં ભાજપની હાર

આશ્ચર્યની વાત એ છે કે, સુરત શહેર ભાજપના મહામંત્રીના પોતાના વોર્ડમાં જ ભાજપની હાર થઈ છે. ટિકિટ ફાળવણી બાદ સંગઠનના જ કેટલાક હોદ્દેદારોએ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ વોર્ડમાં સુરતી અને સૌરાષ્ટ્રીયન એમ બંને સમાજના મતદારો હોવા છતાં, ત્રણ સૌરાષ્ટ્રીયન અને માત્ર એક સુરતી ઉમેદવારને ટિકિટ અપાતા સ્થાનિક સ્તરે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ

આ આંતરિક અસંતોષનો લાભ કોંગ્રેસને મળ્યો હોય તેમ જણાય છે. કોંગ્રેસના વિજેતા ઉમેદવારને ભાજપના ગઢ ગણાતા 'કુબેર નગર' વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં મત મળ્યા છે, જે સ્પષ્ટપણે ક્રોસ વોટિંગ તરફ ઈશારો કરે છે. આ ગંભીર ક્ષતિ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ જવાબદાર નેતાઓ સામે સંગઠન દ્વારા કેવા પગલાં લેવામાં આવશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.