Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 115 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે ભાજપે પદાધિકારીઓની પસંદગી માટે કવાયત તેજ કરી છે. સુરતના આગામી મહિલા મેયર કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આજે શનિવારે સવારથી સુરત ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દાવેદારોમાં ઉત્સાહ સાથે ઉચાટનો માહોલ જોવા મળ્યો હતો.
હોસ્પિટલથી સીધા ભાજપ કાર્યાલય: પદ મેળવવાની અદમ્ય ઈચ્છા
સેન્સ પ્રક્રિયા દરમિયાન એક અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું હતું. વોર્ડ નંબર-1 ના એક મહિલા વિજેતા ઉમેદવાર જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ સીધા હોસ્પિટલથી જ પોતાનો અભિપ્રાય આપવા માટે નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા.

પસંદગીની પ્રક્રિયા અને આગામી કાર્યક્રમ
ભાજપના નિરીક્ષકો સમક્ષ આજે તમામ 115 ચૂંટાયેલા સભ્યો પોતાનો મત રજૂ કરવા ઉમટ્યા. દરેક મહત્વના હોદ્દા માટે અંદાજે 5 નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આગામી 6, 7 અને 8 મે ના રોજ ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મળશે, જેમાં આ નામો પર આખરી મહોર મારવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ અને પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય બાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેન્ડેટ દ્વારા નામ જાહેર કરાશે. મોટાભાગના ઉમેદવારોએ પક્ષનો નિર્ણય શિરોમાન્ય હોવાનું જણાવ્યું હતું. જ્યારે અમુક અનુભવી ચહેરાઓએ પોતાની દાવેદારી મજબૂતીથી રજૂ કરી હતી.
શિક્ષણ સમિતિ માટે કવાયત: નિરાશ થયેલાઓને તક મળશે?
માત્ર મેયર જ નહીં, પરંતુ અંદાજે 1,000 કરોડનું બજેટ ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માનવામાં આવે છે કે ટિકિટ ફાળવણી સમયે જે કાર્યકરો નિરાશ થયા હતા, તેમને શિક્ષણ સમિતિમાં સમાવીને સંગઠનમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

મુખ્ય પદ પર કોની નજર?
સુરતમાં મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દાઓ માટે પણ અનેક નામો ચર્ચામાં છે. ખાસ કરીને 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોની લોટરી લાગશે તે હવે જોવાનું રહ્યું.



