10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rescue Operation: સુરતમાં ગુરૂવારે (23મી ડિસેમ્બર) સવારે એક એવી ઘટના બની જેણે જોનારાઓના કાળજા કંપાવી દીધા હતા. રાંદેર ઝોનના જહાંગીરાબાદ વિસ્તારમાં 10મા માળેથી નીચે પટકાયેલા એક 57 વર્ષીય આધેડ આઠમા માળની ગેલેરીની જાળીમાં ફસાઈ જતા હવામાં લટક્યા હતા. ફાયર વિભાગે એક કલાક સુધી હાઈ-વોલ્ટેજ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને આધેડને હેમખેમ બચાવી લીધા હતા.
કેવી રીતે બની ઘટના?
સુરતના જહાંગીરાબાદ ડી-માર્ટ પાસે આવેલા ‘ટાઈમ ગેલેક્સી’ બિલ્ડિંગના 'A' બ્લોકમાં 10મા માળે રહેતા 57 વર્ષીય નીતિનભાઈ અડિયા સવારે બારી પાસે સૂતા હતા. ઊંઘમાં અચાનક તેઓ બારીમાંથી નીચે પટકાયા હતા. જો કે, નીચે પડતી વખતે તેમનો પગ 8મા માળની બારીની જાળી (ગ્રીલ) અને છજા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. નીતિનભાઈ આઠમા માળે ઊંધા માથે લટકી રહ્યા હતા અને નીચે કાળમુખો ખાડો હતો.
3 ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઈ
ઘટનાની જાણ થતા જ જહાંગીરપુરા, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનની ટીમો સ્થળ પર દોડી આવી હતી. ફાયર અધિકારીઓએ યુદ્ધના ધોરણે ડબલ પ્રોટેક્શન પ્લાન અમલી બનાવ્યો હતો. નીચે જમીન પર સેફ્ટી નેટ પકડી રાખવામાં આવી હતી જેથી જો તે ઉપરથી સરી પડે તો પણ જાનહાનિ ટાળી શકાય. ફાયર વિભાગની ટીમે 10મા માળે પહોંચ્યા અને ત્યાંથી દોરડા તથા સેફ્ટી બેલ્ટ વડે નીતિનભાઈને હવામાં જ સુરક્ષિત રીતે બાંધ્યા. આધેડનો પગ જાળીમાં ફસાયેલો હોવાથી હાઈડ્રોલિક કટર વડે ગ્રીલ કાપીને તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
આશરે એક કલાક સુધી શ્વાસ અધ્ધર કરી દે તેવા ઓપરેશન બાદ નીતિનભાઈને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ બાદ તરત જ તેને એમ્બ્યુલન્સ મારફત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતી.









