Surat News : સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સુરતનું સરકારી તંત્ર સંખ્યાબળ બતાવવાની હોડમાં આયોજનની મર્યાદા જ ભૂલી ગયું હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પાલિકા, શિક્ષણ સમિતિ સહિત વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ અને શિક્ષકોને હાજરી માટે લેખિત આદેશો અપાયા બાદ વહેલી સવારે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ભારે ભીડ ઉમટી પડી હતી. પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ હોલ હાઉસફુલ થઈ જતાં સેંકડો લોકોને પ્રવેશથી વંચિત રહેવું પડ્યું હતું. જેના કારણે હવે વહીવટી વર્તુળોમાં તીવ્ર ચર્ચા એ છે કે યોગ દિવસની આ ભીડ સ્વયંભૂ ઉત્સાહથી ઊભી થઈ હતી કે પછી સરકારી તંત્રના દબાણ અને કડક આદેશોથી સર્જાઈ હતી.
ફરજિયાત હાજરીના પરિપત્રથી વહેલી સવારે ઉમટી પડી ભીડ
સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને સફળ બનાવવા માટે સરકારી તંત્ર દ્વારા વિવિધ વિભાગોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રાખવાના મૌખિક અને લેખિત ટાર્ગેટ આપવામાં આવ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે કાર્યક્રમના દિવસે જ સમગ્ર વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હતી. સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં વહેલી સવારથી જ શિક્ષકો, પાલિકા કર્મચારીઓ, વિવિધ સરકારી કચેરીઓનો સ્ટાફ અને અન્ય આમંત્રિતો પહોંચી ગયા હતા. શિક્ષણ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલા લેખિત પરિપત્રમાં સ્પષ્ટ સૂચના હતી કે, નિયુક્ત શિક્ષકોએ સવારે 05.30 કલાકે યોગને અનુરૂપ પહેરવેશમાં હાજર રહેવું પડશે. એટલું જ નહીં, કેન્દ્ર આચાર્યોને તમામ શિક્ષકોની ફરજીયાત હાજરી નોંધીને યાદી સાચવવાની અને કચેરી માંગે ત્યારે રજૂ કરવાનો આદેશ અપાયો હતો.
ક્ષમતા ખૂટી પડતાં શિક્ષકો અને કર્મચારીઓને ઊભા રહેવા મજબૂર થવું પડ્યું
આ કડક આદેશના પગલે નોકરી બચાવવા અને ફરજ સમજીને સેંકડો શિક્ષકો તેમજ કર્મચારીઓ સમયસર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે, કાર્યક્રમ સ્થળે પહોંચ્યા બાદ તેમને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો તે અત્યંત નિરાશાજનક અને અપમાનજનક હતો. હોલની નિર્ધારિત ક્ષમતા વહેલી સવારે જ પૂર્ણ થઈ જતાં મોટી સંખ્યામાં આવેલા કર્મચારીઓને સુરક્ષાકર્મીઓ દ્વારા અંદર પ્રવેશ જ આપવામાં આવ્યો નહોતો. પરિણામે, કડક આદેશના પાલન ખાતર વહેલી સવારે દોડી આવેલા અનેક લોકોને કન્વેન્શન સેન્ટરની બહાર બેસાડવામાં આવ્યા હતા, તો કેટલાક લોકોને કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કલાકો સુધી બહાર ઊભા રહેવા માટે મજબૂર બનવું પડ્યું હતું. તંત્રના ખોટા આયોજનને લીધે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


