Gujarat

સુરત પાલિકાનો અંધેર વહીવટ, 9 મહિના પહેલા પાલમાં રોડ બનાવ્યો અને હવે સ્ટ્રોમ ડ્રેનેજ માટે રસ્તો ખોદી નાખ્યો

By GS TEAM
25 Feb 20262 mins read
TukuTouch Logo
9 મહિના પહેલા બનેલા રોડ ખોદાણથી ગેરેન્ટી માટે કોન્ટ્રાક્ટરની જવાબદારી પણ નહી રહે : લાખો રૂપિયાના જવાબદારને શોધી પગલાં ભરવા માંગણી

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાનો અંધેર વહીવટ, 9 મહિના પહેલા પાલમાં રોડ બનાવ્યો અને હવે સ્ટ્રોમ ડ્રેનેજ માટે રસ્તો ખોદી નાખ્યો

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગોમાં સંકલનના અભાવે સુરતની પ્રજાના પરસેવાની કમાણી એવા વેરાનો વ્યય થઈ રહ્યો છે. સુરત પાલિકાએ રાંદેર ઝોનમાં 10 મહિના પહેલા ડામર રોડ બનાવ્યો હતો. હવે આ રોડ સ્ટ્રોમ ડ્રેનેજ કામગીરી માટે ખોદી નાંખવામા આવ્યો છે. માત્ર દસ મહિનાના ટુંકા ગાળામાં આ રોડ ખોદી નાખતા પ્રજાના લાખો રૂપિયાનું આંધણ થયું હોવાની ફરિયાદ થઈ છે અને આ માટે જે જવાબદાર છે તેને શોધીને પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. 

રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં સરદાર નગર પાલથી વીર એક્ઝિટો હાલમાં વીર એક્ઝીટો બિલ્ડીંગ પાસેથી 300 મીટર જેટલો રોડ મહિના પહેલો બન્યો છે. આ ઉપરાંત પાલ સરદાર નગરથી 300 મીટરનો રોડ નવ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. આ રોડ પર હાલમાં વરસાદી ગટર નાંખવા માટે ખોદાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે પુર્વ કોર્પોરેટર ઉષા પટેલે પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. 

તેઓએ મ્યુનિ. કમિશ્નરને ફરિયાદ કરતા કહ્યું છે કે, પહેલા જમીન નીચે જે લાઈન નાંખવાની કામગીરી કરવાની હોય તે કામગીરી પુરી કરવાની હોય છે ત્યાર બાદ રોડ બનાવવાની કામગીરી કરવાની હોય છે. પરંતુ અહી હાલમાં જ રોડ બન્યો છે તેની સ્ટ્રોમ ડ્રેનેજ (વરસાદી ગટર) નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી. આ પ્રકારની કામગીરી પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ છે હવે વરસાદી પાણીના નિકાલ માટે જાળીયા નાખવામાં આવશે તેથી રોડ વધુ ડેમેજ થશે. 

પાલિકાના વિવિધ વિભાગો વચ્ચે સંકલન ન હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને રોડ ખોદી નાંખ્યા બાદ કોન્ટ્રાક્ટરનો ગેરંટી પણ રહેતી નથી. આવી ગંભીર બેદરકારી કોની છે તે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા માટેની માંગણી કરી છે.