સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tushar Ghelani Passed Away: સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું નિધન થયું છે. ગઈકાલે 4 ફેબ્રુઆરીના રોજ તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા જેથી પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો, પણ કુદરતને કઈક અલગ જ મંજૂર હતું આજે અંગદાન માટે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનું હ્રદય ધબકતું બંધ થઈ ગયું એટલે કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હોસ્પિટલની ટીમે 15-20 મિનિટ CPR આપીને હૃદય ધબકતું કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ 10:20 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે પછી ફક્ત આંખોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.
કંકોત્રી લેખનના દિવસે આપઘાતનો પ્રયાસ કર્યો
સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના જ્યારે (1 ફેબ્રુઆરી) લગ્ન લખવાના હતા તે સમયે તેમના ઘરે પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 9 MMની ગોળી બિલ્ડર તુષાર ઘેલાણીના મગજની આરપાર નીકળી ગઈ હતી.
લગ્નની તારીખે ઉઠી અર્થી
અગમ્ય કારણોસર રાત્રે આશરે 2 બનેલી ઘટનામાં તેઓ ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ દિવસની સારવાર પછી તેમણે બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. આજ રોજ 5 ફેબ્રુઆરીએ તેમના દીકરીના લગ્ન માટેની તારીખ નક્કી કરાઈ હતી. લગ્નની તારીખના દિવસે પરિવારના મોભીની અર્થી ઉઠતાં ઘરમાં આક્રંદ સાથે શોકનો માહોલ છવાયો છે.
કેમ પગલું ભર્યું અંગે કોઈ ખુલાસો નહીં
પોલીસે ગુનો નોંધીને રિવોલ્વર કબજે કરી હતી, આત્મહત્યાના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા માટે પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી હતી. હજુ સુધી તુષાર ઘેલાણીએ શા કારણે અંતિમ પગલું ભર્યું તેનો ખુલાસો પોલીસ કે પરિવાર તરફથી કરવામાં આવ્યો નથી
પરિવારે અંગદાનનો લીધો હતો નિર્ણય
તુષાર ઘેલાણીનું બિલ્ડર જગતમાં સારું એવું નામ હતું. તેઓ છેલ્લા ચાર દિવસથી જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા. 'બ્રેઈન ડેડ' બાદ પરિવારે માનવતા દાખવી અંગદાનનો નિર્ણય લીધો હતો. જે માટે 'ડોનેટ લાઈફ' સંસ્થાની ટીમ અંગદાનની પ્રક્રિયા માટે ખાનગી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પરિવારજનો, મિત્રો અને સંબંધીઓ હાજર હતા.
ચક્ષુદાન સ્વીકારાયું
પણ અચાનક જ તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ આવતા શરીરના અંગો ફેઇલ/નકામા થઈ ગયા હતા. જેથી કિડની લીવર કે હાર્ટનું દાન થઈ શક્યું ન હતું, માત્ર ચક્ષુ દાનનો સ્વીકાર કરાયો હતો. દીકરીના લગ્ન પહેલા આપઘાતનો પ્રયાસ અને બાદમાં અંગદાનના દિવસે નિધન થતાં હાલ પરિવારમાં સન્નાટો છવાઈ ગયો છે.








