Get The App

ભાજપનું ભોપાળું: સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ભાજપનું ભોપાળું: સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી 1 - image


Gujarat Local Body Elections 2026: સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ એક ગંભીર ક્ષતિને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું છે. શહેરના વૉર્ડ નંબર 14મા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલય પર 'સામાન્ય ચૂંટણી'ના બદલે 'પેટા ચૂંટણી કાર્યાલય' લખવામાં આવતા વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે. 

મોટા નેતાઓના ફોટા સાથેના લખાણમાં પણ મોટી ભૂલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓના ફોટા સાથે આ કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, કાર્યાલયના મુખ્ય બોર્ડ પર જ 'પેટા ચૂંટણી' શબ્દનો પ્રયોગ કરવામાં આવતા આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પાટીદાર બહુમતિ ધરાવતા આ વિસ્તારમાં થયેલી આ ભૂલ ભાજપ માટે મુસીબત બની ગઈ છે.

રાજકીય વિશ્લેષકો આ ઘટનાને માત્ર ટાઇપિંગ મિસ્ટેક તરીકે નહીં, પરંતુ ભાજપના સંગઠનમાં રહેલા સંકલનના અભાવ તરીકે જોઈ રહ્યા છે. આટલી મહત્ત્વની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો હોય, ત્યારે કાર્યાલયના બોર્ડ જેવી પાયાની બાબતમાં થયેલી બેદરકારીએ પક્ષની તૈયારીઓ પર સવાલો ઊભા કર્યા છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો મારો

આ ભૂલ સામે આવતા જ વિરોધ પક્ષો માટે આ મુદ્દો 'હોટ કેક' બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ બોર્ડના ફોટા શેર કરીને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. લોકો 'અભણ નેતાઓ' અને 'તંત્રની પોલ ખૂલી ગઈ' જેવી અનેક કોમેન્ટ્સ કરીને પક્ષની મજાક ઉડાવી રહ્યા છે. હાલમાં આ મામલે ભાજપના સ્થાનિક કે પ્રદેશ નેતાઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ જે રીતે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, તેને જોતા ભાજપે જલ્દી ખુલાસો કરવો પડશે અથવા બોર્ડમાં સુધારો કરવો પડશે તે નક્કી છે. એક નાનકડા 'પેટા' શબ્દે ભાજપની આખી ચૂંટણી વ્યૂહનીતિને સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ બનાવી દીધી છે.