Get The App

સુરતના અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોશ, પોલીસ સાથે ઘર્ષણ

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
સુરતના અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોશ, પોલીસ સાથે ઘર્ષણ 1 - image

Surat Molestation Case: સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક વિધર્મી યુવક દ્વારા સગીર વયની યુવતીની છેડતી કરવામાં આવતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને પગલે મોડી રાત્રે પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. ટોળાએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. અંતે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

વિધર્મી યુવકની હરકતથી પરિવારમાં આક્રોશ

મળતી માહિતી મુજબ, સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરા જ્યારે ઘરે જઈ રહી હતી, ત્યારે એક વિધર્મી શખ્સે તેની છેડતી કરી હતી. આ બાબતની જાણ સગીરાએ પોતાના પરિવારને કરતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. દીકરી સાથે થયેલી આ અશોભનીય ઘટનાને પગલે પરિવાર અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તુરંત જ લોકો ન્યાયની માંગ સાથે એકઠા થવા લાગ્યા હતા.

પોલીસ સ્ટેશન બહાર હજારોનું ટોળું ઉમટ્યું

ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં અલથાણ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે નરાધમ વિધર્મી યુવક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનની બહાર 'જય શ્રી રામ'ના નારા અને આરોપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભીડ એટલી વધી ગઈ હતી કે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થિતિ તંગ બનતા પોલીસનો લાઠીચાર્જ

મોડી રાત્રે પોલીસ સ્ટેશન પાસે ઉમટેલા ટોળાને વિખેરવા માટે પોલીસે સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નહોતો. ટોળું વધુ ઉગ્ર બનતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી જોઈ પોલીસે અંતે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આરોપીની ધરપકડ અને કાયદેસરની તપાસ

આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા છેડતી કરનાર વિધર્મી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.