Get The App

સાંડેસરા બંધુઓને સુપ્રીમની રાહત: 5,100 કરોડ ભરો તો કેસમાંથી મુક્તિ, બેન્કોએ કહ્યું- અમારું દેવુ 19 હજાર કરોડ

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
Sandesara Money Laundering Case

Sandesara Money Laundering Case: સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના પ્રમોટર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સામેની ફોજદારી કાર્યવાહી પડતી મૂકવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે એક નવો વળાંક આવ્યો છે. તમામ લેણદાર બેન્કોએ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું છે કે સાંડેસરા ગ્રૂપનું કુલ દેવુ રૂ. 19,000 કરોડ રૂપિયાથી વધુ છે. આમ, સુપ્રીમ કોર્ટ દ્વારા સાંડેસરા બંધુઓને રાહત અપાશે, તો અમને સીધું રૂ. 14,000 કરોડનું નુકસાન થશે. 

શું છે સમગ્ર વિવાદ? 

સ્ટર્લિંગ બાયોટેક ગ્રૂપના વડોદરાના સાંડેસરા બંધુઓ પર આરોપ હતો કે, તેમણે બેન્કો પાસેથી હજારો કરોડની લોન લઈને તમામ નાણાં વિદેશમાં સગેવગે કરી નાખ્યા હતા. સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓ તેમની પાછળ પડી હતી અને બંને ભાઈ દેશની બહાર (નાઈજીરિયા/અલ્બેનિયા) છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કોઈ છેતરપિંડી નથી પણ બિઝનેસમાં થયેલું નુકસાન છે. અમે સમાધાન (Settlement) માટે તૈયાર છીએ. 

કોર્ટનો આદેશ અને 'સેટલમેન્ટ'ની રકમ

ગયા વર્ષે 19 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સાંડેસરા ગ્રૂપ રૂ. 5,100 કરોડ જમા કરાવે, તો તેમની સામેના તમામ ફોજદારી કેસ બંધ કરી દેવાશે. આ રકમ તપાસ એજન્સીઓ અને બેન્કો સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરાઈ હતી. એટલું જ નહીં, સાંડેસરા ગ્રૂપે પણ રકમ ભરી દેવાની તૈયારી બતાવી હતી.

અમારું નુકસાન તો ઘણું મોટું છેઃ બેન્કોનો નવો દાવો

હવે રૂ. 5,100 કરોડની વહેંચણીની વાત આવી, ત્યારે બેન્કોએ સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી કરી. આ અરજીમાં ચોંકાવનારો ખુલાસો થયો કે સાંડેસરા ગ્રૂપ પાસેથી બેન્કોનું કુલ લેણું રૂ. 19,283.77 કરોડ હતું. એટલે કે રૂ. 5,100 કરોડના સેટલમેન્ટ છતાં બેન્કોને અંદાજે રૂ. 14,000 કરોડ રૂપિયાનું સીધું નુકસાન થઈ રહ્યું છે.

રૂપિયાની વહેંચણી કેવી રીતે થશે?

આ અંગે બેન્કોએ કોર્ટને જણાવ્યું છે કે, અમે આ રકમ અંદરોઅંદર વહેંચી લેવા માટે એક ફોર્મ્યુલા નક્કી કરી છે. જેમ કે, આ ફોર્મ્યુલા હેઠળ વિદેશની પાંચ સંસ્થાઓ કે, જેમના રૂ. 463 કરોડ બાકી છે, તેમને આ સેટલમેન્ટમાંથી રૂ. 120.8 કરોડ મળશે.

આ પણ વાંચો: 1900 કરોડની છેતરપિંડી મામલે વસંત ગજેરાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટનો FIR રદ કરવા ઈનકાર

સેબીની કાર્યવાહી સામે કોર્ટ લાલઘૂમ

તાજેતરની સુનાવણીમાં સાંડેસરા ગ્રૂપના વકીલે ફરિયાદ કરી કે સુપ્રીમ કોર્ટના સેટલમેન્ટના આદેશ પછી પણ 'સેબી' તેમની સામે કાર્યવાહી ચાલુ રાખી રહી છે. આ દલીલ મુદ્દે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મહેશ્વરી અને જસ્ટિસ ચાંદુરકરની બેન્ચે સવાલ કર્યો કે, 'જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો હોય, ત્યારે સેબી વચ્ચે કેમ આવે છે?' હવે આ મુદ્દે 23 માર્ચના રોજ આગામી સુનાવણી થશે.

અત્યાર સુધીમાં કેટલી રકમ રિકવર થઈ?

આ અંગે સાંડેસરા ગ્રૂપનું કહેવું છે કે, અમે અગાઉ જ રૂ. 3,507 કરોડ જમા કરાવી દીધા છે. બેન્કોએ હરાજી દ્વારા રૂ. 1,192 કરોડ વસૂલ્યા છે. હવે વધારાના રૂ. 5,100 કરોડ ભરીને અમે આખો મામલાની કાયમી પતાવટ ઈચ્છીએ છીએ. 

સાંડેસરા બંધુઓને સુપ્રીમની રાહત: 5,100 કરોડ ભરો તો કેસમાંથી મુક્તિ, બેન્કોએ કહ્યું- અમારું દેવુ 19 હજાર કરોડ 2 - image