Get The App

અંતિમ તબક્કામાં ઉનાળો આકરો, ભાવનગરમાં 42.2 ડિગ્રી ગરમી

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
અંતિમ તબક્કામાં ઉનાળો આકરો, ભાવનગરમાં 42.2 ડિગ્રી ગરમી 1 - image

મે મહિનામાં ત્રીજી વખત તાપમાન ૪૨ ડિગ્રીને પાર પહોંચ્યું

સામાન્યથી સરેરાશ ૨.૧ ડિગ્રી વધુ ગરમી નોંધાઈ, જૂન માસની શરૃઆતમાં હળવો વરસાદ પડી શકે

ભાવનગરંઉનાળાની ઋતુની સત્તાવાર વિદાયને હવે માત્ર ૨૦ દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે અંતિમ તબક્કામાં ઉનાળો વધુ આકરો બનતો જઈ રહ્યો હોય તેમ શહેરમાં ૪૨.૨ ડિગ્રી ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા હતા. ગરમીની સાથે પરસેવે રેબઝેબ કરતા ભેજ સાથેના વાતાવરણે મુશ્કેલી વધારો છે.

ગત વર્ષની તુલનામાં આ વર્ષે મે માસમાં કાળઝાળ ગરમીએ માઝા મુકી છે. બે દિવસ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી ઉપર રહ્યા બાદ આજે મંગળવારે સૂર્યનારાયણ વધુ આકરા મિજાજમાં હોય, ગરમીમાં અર્ધો ડિગ્રીનો વધારો થતાં તાપમાન ૪૨.૨ ડિગ્રીને આંબી ગયું હતું. જેના કારણે બપોરના સમયે અંગ દઝાડતી ગરમી અને ૩૪ કિ.મી. પવન સાથે ફૂંકાયેલી લૂથી ભાવેણાંવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા રહેતા, લોકો રીતસરના પરસેવે નહાયા હતા. આજે સામાન્યથી સરેરાશ ૨.૧ ડિગ્રી વધુ ગરમી રહી હોવાનું હવામાન વિભાગમાં નોંધાયું છે. વધુમાં આગામી ૧લી જૂનના રોજ ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે. ઉલ્લેખનિય છે કે, મે માસમાં ગરમીનું જોર વધ્યું હોય, ૨૬ દિવસમાં ૧લી મેના રોજ ૪૨.૫, ૧૪મી મેના રોજ ૪૫.૨ અને ૨૬મી મેના રોજ ૪૨.૨ ડિગ્રી મળી ત્રણ વખત તાપમાન ૪૨ ડિગ્રીને પાર પહોંચ્યું છે.