Gujarat

સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં યુવકને 20 વર્ષની કેદ, થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો

By GS TEAM
29 Apr 20262 mins read
TukuTouch Logo
વાવ-થરાદ પંથકમાં સુરક્ષાને લઈને સવાલો ઊભા કરતી એક ઘટનામાં ન્યાયની જીત થઈ છે. સુઈગામ વિસ્તારમાં એક સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપી પ્રકાશ પઢિયારને સેશન કોર્ટે 20 વર્ષની જેલની સજા ફટકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં યુવકને 20 વર્ષની કેદ, થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો

Suigam Minor Girl Rape Case Verdict: વાવ-થરાદ પંથકમાં સુરક્ષાને લઈને સવાલો ઊભા કરતી એક ઘટનામાં ન્યાયની જીત થઈ છે. સુઈગામ વિસ્તારમાં એક સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપી પ્રકાશ પઢિયારને સેશન કોર્ટે 20 વર્ષની જેલની સજા ફટકારી છે. 

હૃદયદ્રાવક ઘટના

આ કરુણ ઘટના ત્યારે બની જ્યારે ભાઈને તાવ આવતો હોવાથી 11 વર્ષની માસૂમ બાળા દુકાને બિસ્કિટ લેવા જઈ રહી હતી. રસ્તામાં આરોપી પ્રકાશ માવજીભાઈ પઢિયાર પોતાના ઘરના ઓટલે બેઠો હતો. તેણે બાળાને લલચાવવા માટે 20 રૂપિયા આપી પોતાની માટે પણ બિસ્કિટ મંગાવ્યા હતા. જ્યારે બાળા બિસ્કિટ લઈને પરત આવી, ત્યારે આરોપી ઘરની અંદર જતો રહ્યો અને બાળાને બિસ્કિટ આપવાના બહાને અંદર બોલાવી હતી. માસૂમ જેવી અંદર ગઈ કે તરત જ નરાધમે તેને ગોંધી લીધી અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત કોઇને પણ કાંઇ પણ કહીશ તો તને તથા તારા પરિવારને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો: વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

સમાધાનના પ્રયાસો નિષ્ફળ, કાયદાએ પાઠ ભણાવ્યો

આ સગીરાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી ત્યારે પરિવારને સત્યની જાણ થઈ હતી. શરૂઆતમાં બદનામીના ડરે સમાધાનની વાતો થઈ હતી, પરંતુ ન્યાય માટે પરિવારે મક્કમ બની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા આ પરિવારની બે દીકરીઓ અને બે દીકરાઓમાં આ ઘટનાથી ભારે આઘાત વ્યાપી ગયો હતો.

કોર્ટનો કડક ચુકાદો

આ કેસમાં સરકારી વકીલ આર.ડી. જોશીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પી.એમ. સાયાણીએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પોક્સો (POCSO) અને કલમ 376 હેઠળ આરોપીને 20 વર્ષની સખત કેદ ઉપરાંત 1,75,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 7 મહિનાની સખત કેદની સજા ભોગવવી પડશે. ઉપરાંત દંડની રકમમાંથી પીડિત બાળાને વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી સમાજના આવા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિત પરિવારને ન્યાય મળ્યો છે.