વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓએ એકેડમિક બેન્ક ઓફ ક્રેડિટ( એબીસી) એકાઉન્ટ નહીં બનાવ્યું હોય તેઓ પોતાનું પરિણામ ઓનલાઈન નહીં જોઈ શકે.
યુનિવર્સિટીમાં ૨૦૨૧ બાદ પૂર્વ અને વર્તમાન મળીને ૭૫૦૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૬૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓના એબીસી એકાઉન્ટ બનાવવાના બાકી હોવાના કારણે સત્તાધીશોએ ઉપરોક્ત નિર્ણય લીધો છે.
સૂત્રોએ કહ્યું હતું કે, ફેકલ્ટીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને લેકચર દરમિયાન એબીસી એકાઉન્ટ બનાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.અધ્યાપકો ક્લાસમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન પર કેવી રીતે એકાઉન્ટ બનાવવું તેનું નિર્દેશન પણ આપી રહ્યા છે.આમ છતા વિદ્યાર્થીઓ આળસ કરી રહ્યા હોવાથી આકરુ પગલું ભરવાનો વારો આવ્યો છે.૬ મહિનાથી આ કવાયત ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એબીસી એકાઉન્ટ બન્યા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી ડિજિલોકરમાં તેમજ નેશનલ એકેડમિક ડિપોઝિટરીમાં અપલોડ થાય છે.જે વિદ્યાર્થીઓને એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો હોય ત્યારે ક્રેડિટ ટ્રાન્સફર કરવા માટે જરુરી બની છે. એબીસી એકાઉન્ટ ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.


