Get The App

યુવાઓ મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ સંગીત સાંભળવા કરે છે

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
યુવાઓ મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ સંગીત સાંભળવા કરે છે 1 - image

વડોદરાઃ એક માન્યતા એવી છે કે, જેન ઝી એટલે કે વર્તમાન યુવા પેઢી મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ સોશ્યલ મીડિયા પર સક્રિય રહેવા માટે કરે છે.જોકે એમ.એસ.યુનિવર્સિટીની જર્નાલિઝમ ફેકલ્ટીના બેચલર કોર્સના વિદ્યાર્થીઓએ વિવિધ ફેકલ્ટીઓમાં ભણતા ૬૦૦ વિદ્યાર્થીઓની મ્યુઝિક સાંભળવાની ટેવ પર કરેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે, વિદ્યાર્થીઓ મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ મ્યુઝિક સાંભળવા માટે કરે છે.સંગીત તેમના જીવનનો અભિન્ન હિસ્સો પણ છે.

આ વિદ્યાર્થીઓએ સર્વેમાં કહ્યા પ્રમાણે દરેક વિદ્યાર્થી મોબાઈલ પર સરેરાશ લગભગ દોઢ કલાક જેટલો સમય મ્યુઝિક સાંભળે છે અને સરેરાશ એકાદ કલાક સોશ્યલ મીડિયા પાછળ પસાર કરે છે.આમ મોબાઈલ પર મ્યુઝિક યુવાઓની પહેલી પસંદ છે.સર્વે કરનારા જર્નાલિઝમના વિદ્યાર્થીઓએ આ તમામ  વિદ્યાર્થીઓને રુબરુ મળીને ઈન્ટરવ્યૂ લીધા હતા.જેમાં એવું પણ સામે આવ્યું હતું કે, જેન ઝીનો મનપસંદ ગાયક અરિજિત સિંહ છે.૩૦ ટકાએ નિયમિત રીતે અરિજિતના ગીતો સાંભળતા હોવાનું કહ્યું હતું તો એ પછી યુવાઓના ફેવરિટ સિંગર કિશોર કુમાર છે.૧૦ ટકા  વિદ્યાર્થીઓએ કિશોર કુમારના ગીતો ગમતા હોવાનું કહ્યું હતું.ફેવરિટ સંગીતકાર તરીકે   પ્રિતમનું નામ આપનારા યુવાઓની સંખ્યા સૌથી વધારે હતી.

સંગીતના શોખમાં રીલ્સનો મહત્વનો ફાળો

૭૦ ટકા વિદ્યાર્થીઓને રાત્રીના સમયે રોમેન્ટિક સંગીત સાંભળવાનું પસંદ

આ સર્વેમાં વિદ્યાર્થીઓએ બીજુ શું કહ્યું

--મોટાભાગનાને રાત્રે મ્યુઝિક સાંભળવાનું પસંદ છે, ૭૦ ટકા રોમેન્ટિક મ્યુઝિક અને ૩૦ ટકા વિદ્યાર્થીઓ અન્ય પ્રકારનું સંગીત સાંભળે છે.

--૬૫ ટકા સંગીત સાંભળવા માટે ફ્રી અને ૩૫ ટકા પેઈડ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે

--૪૫ ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી વખતે, મુસાફરી કરતી વખતે કે આરામ કરતી વખતે સંગીત સાંભળે છે.બાકીના ૫૪ ટકા વિદ્યાર્થીઓ નવરાશના સમયે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ ના હોય ત્યારે જ સંગીત સાંભળવાનું પસંદ કરે છે

--૩૨ ટકા વિદ્યાર્થીઓ સવારે સૌમ્ય, ૪૩ ટકા વિદ્યાર્થીઓ બપોરે પોપ મ્યુઝિક અને સાંજે ૧૮ ટકા વિદ્યાર્થીઓ રોમેન્ટિક મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે.

--૬૭ ટકા વિદ્યાર્થીઓ ચોક્કસ કલાકારના ગીતો કે સંગીતને પસંદ કરે છે.જ્યારે ૩૩ ટકા પ્લે લિસ્ટ પર કે ઓટો સજેશન પર આધાર રાખે છે.

--સંગીતની પસંદગી અને શોખમાં ઈન્સ્ટાગ્રામનો મહત્વનો રોલ છે.૫૮ ટકા વિદ્યાર્થીઓ રીલ્સ અને શોર્ટ વિડિયો દ્વારા સંગીતના પરિચયમાં આવે છે.

યુવા પેઢીનો ધાર્મિક સંગીત તરફ પણ ઝુકાવ

આ સર્વેમાં સામેલ જર્નાલિઝમની વિદ્યાર્થી એન્જેલા વાસવાનીનું કહેવું છે કે, યુવા પેઢીનો ધાર્મિક અને ભક્તિભાવ સભર સંગીત તરફ પણ ઝુકાવ જોવા મળ્યો છે.અમારા ઈન્ટરવ્યૂ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ અમને કહ્યું હતું કે, સવારના સમયે અમે ભજન, સ્તુતિ, રામધૂન કે હનુમાન ચાલીસા જેવું સંગીત સાંભળીને જ દિવસની શરુઆત કરીએ છે.