Gujarat

શિક્ષકોની કડાકૂટ ઓછી થશે, એઆઈની મદદથી આપોઆપ હાજરી પૂરાઈ જશે

By GS TEAM
29 Nov 20252 mins read
શિક્ષકોની કડાકૂટ ઓછી થશે,  એઆઈની મદદથી આપોઆપ હાજરી પૂરાઈ જશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં અને મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં અત્યારે શિક્ષકો કે અધ્યાપકો રજિસ્ટરમાં કે શીટમાં  વિદ્યાર્થીઓની હાજરી પૂરે છે.જેમાં શિક્ષકોનો કે અધ્યાપકોનો ખાસો સમય જાય છે.ઉપરાંત આ રેકોર્ડ જાળવવાની કડાકૂટ પણ રહે છે.શિક્ષકોની આ સમસ્યાઓનો ઉકેલ હવે એઆઈની મદદથી આવી શકે છે.

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ૬ વિદ્યાર્થીઓ દર્શ પટેલ,કિર્તન સોની, શિવમ પરમાર, મૈત્ર પટેલ, યશ સોલંકી અને વ્યોમ શાહની ટીમે ગાઈડ ડો.વિરલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ એઆઈ આધારિત એપ બનાવી છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ પ્રોજેકટના ભાગરુપે અમે કોમ્પ્યુટર સાયન્સમાં ભણતા ૩૦૦ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ સાથેનો ડેટાબેઝ તૈયાર કર્યો છે.એપને અમે ક્લાસ લેન્સ નામ આપ્યું છે.આ એપ ડાઉનલોડ કરીને શિક્ષક વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓના બે કે ત્રણ ફોટા મોબાઈલ પર ક્લીક કરે તેની સાથે જ એઆઈ આ ફોટોગ્રાફમાં દેખાતા વિદ્યાર્થીઓના ચહેરાને ડેટાબેઝ સાથે સરખાવે છે અને તેમની હાજરી કે ગેરહાજરી નોંધી લે છે.ગેરહાજર વિદ્યાર્થીઓને પણ તેમની હાજરી  નથી પૂરાઈ તે પ્રકારનો મેસેજ તરત જ મોબાઈલ એપ થકી પહોંચી જાય છે.ઉપરાંત એપમાં વિદ્યાર્થીઓની હાજરીનો રેકોર્ડ પણ આપોઆપ જળવાતો રહે છે.

બાયોમેટ્રિક સિસ્ટમનો આર્થિક રીતે વ્યવહારુ વિકલ્પ 

હાજરી માટે આમ તો બાયો મેટ્રિક સિસ્ટમ કે ફેસ સ્કેનર સિસ્ટમ પણ ઉપલબ્ધ હોય છે.જોકે એમ.એસ.યુનિવર્સિટી જેવી સંસ્થા કે જેમાં ૫૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો આર્થિક રીતે આ પ્રકારની એપ વ્યવહારુ વિકલ્પ બની શકે છે.જો આટલા વિદ્યાર્થીઓની હાજરી માટે બાયો મેટ્રિક સિસ્ટમ લગાવવી હોય તો ચાર થી પાંચ કરોડનો ખર્ચ થઈ શકે છે.તેની સામે એઆઈ આધારિત એપથી હાજરી પૂરવાનો ખર્ચ પાંચ થી દસ લાખ રુપિયા જ આવે તેવો અંદાજ છે.

એઆઈ મોડેલ જાતે ડેવલપ કર્યું, હાજરી લેવાનો પાયલોટ પ્રોજેકટ શરુ કરાશે

ગાઈડ ડો.વિરલ કાપડિયાનું કહેવું છે કે, આગામી દિવસોમાં  આ એપનો ઉપયોગ પાયલોટ પ્રોજેકટના ભાગરુપે કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં કરવામાં આવશે.વિદ્યાર્થીઓની હાજરી આ મોબાઈલ એપનો ઉપયોગ કરીને પૂરવામાં આવશે. સૌથી મહત્વની ખાસિયત એ છે કે, એપ માટેનું એઆઈ મોડેલ કોઈ કંપની પાસેથી લેવામાં નથી આવ્યું.વિદ્યાર્થીઓએ તે જાતે તૈયાર કર્યું છે.જેના કારણે એપમાં સ્ટોર થતા ડેટાની ગુપ્તતા પણ જળવાઈ રહે છે.

લગ્ન પ્રસંગના ફોટોગ્રાફ જોઈને વિચાર આવ્યો 

છ વિદ્યાર્થીઓની ટીમના એક સભ્ય વ્યોમ શાહે કહ્યું હતું કે, એક સબંધીના લગ્નમાં પાડેલા મારા એક ફોટોગ્રાફને મેં ફોનમાં ઉપલબ્ધ એઆઈની મદદથી અન્ય ફોટોગ્રાફ સાથે સરખાવતા જ મને લગ્ન પ્રસંગના તમામ ફોટોગ્રાફ જોવા મળી ગયા હતા.જેમાંથી મને એટેન્ડન્સ એપ ડેવલપ કરવાનો વિચાર આવ્યો હતો.