Gujarat

હોસ્ટેલની મેસમાં જમતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

By GS TEAM
4 Apr 20262 mins read
હોસ્ટેલની મેસમાં જમતા  વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

વડોદરાઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણી પીણીની લારીઓ ચલાવનારાઓને મુશ્કેલી થઈ રહી છે તો બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચાલતી મેસમાં ગેસ પાઈપ લાઈન કનેક્શન હોવાના કારણે મેસમાં ભોજન કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે.

યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં બોયઝ હોસ્ટેલમાં ૩ તથા ગર્લ્સ હોસ્ટેલમાં ૩ મેસ તથા બે સેન્ટ્રલ કેન્ટીન ચાલે છે.આ તમામ જગ્યાએ પહેલેથી જ ગેસ પાઈપ લાઈન જોડાણ છે.જેના કારણે અખાતી દેશોમાં શરુ થયેલા યુધ્ધ પછી પણ ગેસની અછત અત્યાર સુધી ઉભી થઈ નથી.હોસ્ટેલના ચીફ વોર્ડન ડો.પરમારનું કહેવું છે કે, યુનિવર્સિટી મેસમાં જમવાનું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી.એટલે ઘણા વિદ્યાર્થીઓ બહાર જમતા હોય છે અથવા ટિફિન મંગાવતા હોય છે પણ યુધ્ધના કારણે ગેસની સમસ્યા સર્જાયા બાદ મેસમાં જમનારા  વિદ્યાર્થીઓની સંખ્યા અલગ અલગ મેસ પ્રમાણે ૨૦ થી ૩૦ ટકા જેટલી વધી છે.કારણકે હોસ્ટેલની મેસમાં કોઈ જાતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ બહાર જમનારા વિદ્યાર્થીઓને ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તો થાળીમાં પિરસાતી વાનગીઓ ઘટી ગઈ છે.સવારે અગાઉ મેસમાં સરેરાશ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ જમતા હતા તો હવે ૨૦૦ થી ૨૫૦ વિદ્યાર્થીઓ જમે છે.સાંજના સમયે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓની જગ્યાએ મેસમાં જમનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીે ૩૦૦ થી ૩૫૦ સુધી પહોંચી છે.ઉલ્લેખનીય છે કે, મેસમાં લિમિટેડ થાળીના વિદ્યાર્થી પાસે ૫૦ રુપિયા લેવામાં આવે છે. તો નિયમિત રીતે મેસમાં જમનારા વિદ્યાર્થીએ અનલિમિટેડ થાળી માટે ૬૦ રુપિયા અને બાકીના વિદ્યાર્થીઓએ ૬૦ રુપિયા ચૂકવવાના હોય છે.