Gujarat

સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫ દિવસ સીલ કરાશે

By GS TEAM
16 Feb 20262 mins read
સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે,  અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫ દિવસ સીલ કરાશે

અમદાવાદ,સોમવાર,16 ફેબ્રુ,2026

અમદાવાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને લઈ કડક કાર્યવાહી કરવા નિર્ણય કરાયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં  પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી પકડાશે તો ઉત્પાદન કરનારી ફેકટરી ૧૫ દિવસ સીલ કરાશે. રીટેલ વેપારી પાસેથી ૧૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ૧૦ દિવસ દુકાન સીલ કરાશે.હેલ્થ કમિટીએ શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા પ્લાસ્ટિકની થેલીઓ વાપરનાર ફેરીયાઓ પાસેથી એકથી પાંચ હજાર રુપિયા સુધીનો દંડ વસૂલવા મંજૂરી આપી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરનારા એકમો પાસેથી પેનલ્ટી વસૂલ કરવામા આવશે.

ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે શહેરમાં પર્યાવરણની જાળવણી માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશ સામે કડક કાર્યવાહી કરવા નિર્ણય લેવામા આવ્યો છે. હેલ્થ કમિટીના ચેરમેન જશુભાઈ  ઠાકોરના કહેવા પ્રમાણે, હાઈકોર્ટ દ્વારા આપવામા આવેલા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેના સુચનોને ધ્યાનમાં રાખીને ફેરીયાઓ પાસેથી પ્રથમ વખત  પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો રુપિયા એક હજાર, બીજી વખત પકડાશે તો રુપિયા ત્રણ હજાર અને ત્રીજી વખત પકડાશે તો રુપિયા પાંચ હજાર દંડ કરવામાં આવશે.હેલ્થ કમિટી સમક્ષ મંજુરી માટે મુકાયેલી દરખાસ્તમાં સુધારો કરી કોર્પોરેશન હદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરનારા એકમો તથા સો કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો  જથ્થો રાખનારા  વેપારી પકડાય તો ૧૦ દિવસ દુકાન સીલ કરી પેનલ્ટી કરવા મંજૂરી આપવામા આવી હતી.

૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ વાપરી નહીં શકાય

પ્લાસ્ટિક રુલ્સ-૨૦૧૬ મુજબ તમામ ધંધાર્થીઓ અને ફેરીયાઓ ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ કે ૬૦ ગ્રામ પર સ્કવેરમીટરથી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગનો વપરાશ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી વાપરી શકાશે નહીં.