મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં વાલીઓ માટે લાલબત્તીરૂપ કિસ્સો : મિત્રએ ભાગવાની ના પાડતાં તરૂણીને લંપટ રિક્ષાચાલકનો ભેટો થયો, બસ સ્ટેન્ડમાં અડપલાં કર્યાં
રાજકોટ, : મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં વાલીઓ માટે વધુ એક લાલબત્તીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં રહેતી અને ધો. 10માં અભ્યાસ કરતી માત્ર ૧૫ વર્ષની તરૂણીએ તેના મિત્ર એવા ૧૫ વર્ષના તરૂણને પોતાને ભગાડી જવા કહ્યું હતું. પરંતુ તરૂણે ઇન્કાર કરતાં તરૂણીને એક રિક્ષાચાલક ભેટી ગયો હતો. જેણે એસટી બસ ડેપોમાં તેના શરીર સાથે અડપલા કર્યા હતા.
એ ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રીક્ષાચાલક સિકંદર જુમ્માભાઈ માલાણી (ઉ.વ. 45 આશરે, રહે. જંગલેશ્વર)ની અટકાયત કરી છે.
ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પુત્રી એક સંસ્થામાં રહી ત્યાં જ અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા તેના ભાઈની પુત્રીના લગ્ન હોવાથી તેની પુત્રી ઘરે આવી હતી. ગઇ તા. ૧૦ના રોજ તેની પુત્રી ઘરેથી લાપતા બની ગઇ હતી. જેથી જ્યાં અભ્યાસ કરતી હતી તે સંસ્થાના સંચાલકોને જાણ કરી હતી. રાત્રે તેની પુત્રીએ રાવકી ગામેથી તેડી જવાનું કહેતા ત્યાં જઇ તેને લઇ આવ્યા હતા.
પૂછપરછ કરતાં કહ્યું કે તે ઘરેથી નીકળી માધાપર ચોકડી પહોંચી હતી. જ્યાંથી તેના ફ્રેન્ડને કોલ કરી ભાગી જવાનું કહ્યું હતું. પરંતુ તેના ફ્રેન્ડે ના પાડી હતી. આ સ્થિતિમાં તેને ઘરે નહીં આવી મહારાષ્ટ્રમાં નાનીના ઘરે જવું હોવાથી રીક્ષામાં બેસી બસ સ્ટેન્ડ આવી હતી.
બસ સ્ટેન્ડ બહારથી મોબાઇલનું ચાર્જર લીધું હતું. તે વખતે રીક્ષાચાલકે ક્યા જવું છે તેમ પૂછ્યું હતું. જેથી નાસિક જવાની વાત કરતાં તેની સાથે બસ સ્ટેન્ડમાં આવ્યો હતો. પરંતુ એક પણ બસમાં જગ્યા નહીં મળતા તે રીક્ષાચાલકે તેના વાસામાં હાથ ફેરવ્યો હતો. ત્યાર પછી તેને લીમડા ચોક લઇ ગયો હતો, જ્યાં આવેલી ત્રણ-ચાર ઓફિસમાં તપાસ કરી હતી. તેમાંથી સુરત જતી એક બસમાં એક સીટ ખાલી હોવાની માહિતી મળતાં રીક્ષાચાલકે ટીકીટ ખરીદી દીધી હતી. એટલું જ નહીં તેના મોબાઇલમાં પોતાના મોબાઇલથી કોલ કર્યો હતો. આ પછી રીક્ષાચાલકે કહ્યું કે બસ રાત્રે ૧૨-૪૫ વાગ્યાની છે. બાદમાં રીક્ષામાં તેની બાજુમાં પગ રાખી બેસી ગયો હતો.
તે વખતે તેને નોકરી અપાવવાની લાલચ આપી કહ્યું કે તું સુરત નહીં પરંતુ એક ગામનું નામ આપુ છું ત્યાં ઉતરી જજે, જ્યાંથી બસ ન મળે તો દિલ્હી જતી રહેજે, ત્યાં પણ બસ ન મળે તો મને ફોન કરજે, જેથી હું તને નાસિકની બસ કરાવી આપીશ. આ પછી તેને ચા પીવડાવી હતી. નાસ્તો કે જમવાનું પણ લઇ આવવાનું કહ્યું હતું. જ્યાંથી તેણે મહારાષ્ટ્ર રહેતા મામાને કોલ કરી પોતે આવી રહ્યાનું કહ્યું હતું. તે રીક્ષાચાલક સાથે હતી ત્યારે તેના સંબંધીઓને જોઇ જતા રીક્ષાચાલકને રીક્ષા ભગાડવાનું કહ્યું હતું. જેથી તે નવાગામ લઇ ગયો હતો. જ્યાં સંસ્થાના મહિલાનો કોલ આવતાં આખરે રીક્ષાચાલક રાવકી ગામે લઇ ગયો હતો.


