માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા નહીં, સપ્તપદી જરૂરી: ગુજરાત હાઈકોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court On Hindu Marriage: હિન્દુ મેરેજ એક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, 'માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા મળી શકતી નથી. જો હિન્દુ મેરેજ એક્ટ મુજબ જરૂરી ધાર્મિક વિધિઓ અને પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું ન હોય તો આવા લગ્ન કાયદાની નજરમાં માન્ય ગણાશે નહીં.'
માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા નહીં: ગુજરાત હાઈકોર્ટ
જસ્ટીસ ઈલેશ વોરા અને જસ્ટીસ આર.ટી. વછરાણીની ખંડપીઠે નોંધ્યું કે, 'મેરેજ સર્ટિફિકેટ માત્ર વિધિવત રીતે સંપન્ન થયેલા લગ્નનો પુરાવો છે, તે પોતે લગ્નને કાયદેસર બનાવતું દસ્તાવેજ નથી. લગ્ન માટે હિન્દુ મેરેજ એક્ટની કલમ-7 હેઠળ બંને પક્ષોના માન્ય રીત-રિવાજો અને ધાર્મિક વિધિઓનું પાલન અનિવાર્ય છે.'
કોર્ટે વધુમાં જણાવ્યું કે, 'જો બંને પક્ષોની પરંપરામાં સપ્તપદી (સાત ફેરા)નો સમાવેશ થતો હોય તો વર-કન્યાના સાતમા ફેરા પૂર્ણ થયા બાદ જ લગ્ન સંપૂર્ણ અને કાયદેસર રીતે સંપન્ન ગણાય છે. કલમ-7માં ઉપયોગમાં લેવાયેલા "સંપન્ન" શબ્દનો અર્થ તમામ જરૂરી વિધિઓ સાથે પૂર્ણ થયેલા લગ્ન એવો થાય છે.'
હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, 'લગ્નની આવશ્યક ધાર્મિક વિધિઓ વિના માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા આપી શકાય નહીં. આ ચુકાદાથી હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નની ધાર્મિક વિધિઓનું કાનૂની મહત્ત્વ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.'









