Gujarat

મહાદેવ બુકીના માસ્ટર આઇડીનું વેચાણ કરનાર આરોપીને ઝડપી લેવાયો

By GS TEAM
8 Nov 20251 min read
મહાદેવ બુકીના માસ્ટર આઇડીનું વેચાણ કરનાર આરોપીને ઝડપી લેવાયો

અમદાવાદ, શનિવાર

માધુપુરામાં હર્ષિત જૈન નામના બુકીને ત્યાં પોલીસે દરોડો પાડીને રૂપિયા બે હજાર કરોડનું ગુજરાતનું સૌથી મોટુ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ ઝડપી લીધું હતું. આ કૌભાંડમાં ૧૦૦થી વધુ આરોપીઓના નામ ખુલ્યા હતા.  જૈ પૈકી કેટલાંક આરોપીઓ વિરૂદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવતા  તે પૈકીનો જયસિંહ ચૌહાણ નામનો આરોપી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો હતો.  જયસિંહે મહાદેવ બુકીની સટ્ટા આઇડી હર્ષિત જૈનને આપી હતી.

અમદાવાદના માધુપુરામાં આવેલા એક કોમ્પ્લેક્સમાંથી પીસીબીએ દરોડો પાડીને ઝડપેલા ગુજરાતના સૌથી મોટા રૂપિયા બે હજાર કરોડના કૌભાંડને ઝડપી લીધું હતું.  આ કેસમાં મુખ્ય આરોપી હર્ષિત જૈન સહિત ૧૦૦થી વધુ નામ ખુલ્યા હતા. જેમાં મહાદેવ બુકના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રાકર તેમજ તેના ક્રિકેટ સટ્ટાના આઇડીની ફ્રેન્ચાઇઝીનું વેચાણ કરતા જયસિંહ ચૌહાણ (રહે. જંહાગીરપુરા, અસારવા, અમદાવાદ)ની સંડોવણી હતી. જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સૌરભ અને જયસિંહ સહિત ૩૦થી વધુ આરોપીઓ વિરૂદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરી હતી. 

શનિવારે બપોરના ત્રણ વાગે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જયસિંહ ચૌહાણ દુબઇ જઇ રહ્યો હતો ત્યારે ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓએ પાસપોર્ટ તપાસતા તેના પર લુક આઉટ નોેટિસ ઇસ્યુ થયાની વિગત મળી હતી. જેના આધારે તેને ડીટેઇન કરીને સ્ટેટ મોનીટરીંગ સેલને જાણ કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી  કુલ ૩૮ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.